ચૂંટણી પંચ સામે દેશદ્રોહનો કેસ નોંધવાની અરજી હાઈ કોર્ટે ફગાવી
Updated: Apr 27th, 2023
મહાપાલિકા ચૂંટણીમાં વિલંબ મુદ્દે થયેલી અરજીને તથ્યહિન ગણાવી
પાંચ વર્ષે ચૂંટણી યોજવાની બંધારણીય જોગવાઈનો ચૂંટણી પંચ દ્વારા ભંગ થઈ રહ્યો હોવાની અરજીમાં રજૂઆત
મુંબઈ: મુંબઈ મહાપાલિકા સહિત રાજ્યની ૨૩ મહાપાલિકા અને જિલ્લા પરિષદ સહિત પંચાયત સમિતિની ચૂંટણીઓની મુદત પૂરી થયાને બે વર્ષ થઈ ગયા છતાં ચૂંટણીઓ હજી યોજાઈ નથી. દર પાંચ વર્ષે ચૂંટણી લેવી એ બંધારણે આપેલો નિયમ છે તેનું પંચે ઉલ્લંઘન કર્યું છે. પંચની આ પગલું દેશદ્રોહી હોવાથી આ પ્રકરણે ફોજદારી ગુનો નોંધવાની માગણી કરીને મુંબઈના રહેવાસી રોહન પવારે હાઈ કોર્ટમાં કરેલી અરજી ફગાવી દેવાઈ છે. અગાઉ હાઈ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને પ્રશ્ન કરીને આ સંબંધે બે સપ્તાહમાં સોગંદનામા સાથે ભૂમિકા સ્પષ્ટ કરવાનો પણ હાઈ કોર્ટે પંચને આદેશ આપ્યો હતો. જોકે આજે કોર્ટે અરજીમા ંતથ્ય નહોવાનું જણાવીને અરજી ફગાવી હતી.
૨૩ મહાપાલિકા અને ૨૨૫ નગર પરિષદ અને ૩૫ જિલ્લા પરિષદો હાલ ચૂંટાયેલા જનપ્રતિનિધિને બદલે બે વર્ષથી નિયુક્ત પ્રશાસક દ્વારા ચલાવાઈ રહી છે. હાલ મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે, ઔરંગાબાદ અને નાગપુરમાં વહીવટદાર દ્વારા સંચાલન ચાલે છે. ન્યા. અજય ગડકરી અને ન્યા. પ્રકાશ નાઈકની બેન્ચ સમક્ષ આ પ્રકરણની સુનાવણી થઈ હતી. ચૂંટણી પંચનો અધિકાર કોઈ છીનવી શકે નહીં. ચૂંટણી પ્રક્રિયા લાગુ કરવાનો અબાધિત અધિકાર છે. તેમ છતાં પંચ દ્વારા ચૂંટણીઓ કેમ યોજાતી નથી? એવો સવાલ અરજદારના વકિલે દલીલમાં ઉપસ્થિત કર્યો હતો. એવો સવાલ સોમવારે હાઈ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને કર્યો હતો. શરૂઆતમાં કોવિડના કારણે ચૂંટણી મોકૂફ રખાઈ હતી, હવે ઓબીસી માટે આરક્ષણની અરજી સુપ્રીમમાં પ્રલંબિત હોવાથી ચૂંટણીઓ પર સ્થગિતી મૂકવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારે ટ્રીપલ ટેસ્ટ સર્વે પૂરો નહીં કરતાં નગરપાલિકામાં ૨૮ ટકા ઓબીસી આરક્ષણને રદ કર્યું હતું. આ ત્રણ પગલાંમાં ઓબીસીના પછાતપણાનું મૂલ્યાંકન કરવા સમર્પિત પંચ સ્થાપિત કરવાનો, દરેક પાલિકા વિસ્તારમાં ઓબીસીની ટકાવારી નક્કી કરીને ૫૦ ટકાથી ઉપર આરક્ષણ જાય નહીં તેની તકેદારી લેવાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સરકારે બે પગલાં પૂરા કર્યા છે. ત્રીજો પગલું હજી શરૂ કરાયું નથી.
મુંબઈમહાપાલિકા ચૂંટણી કેમ વિલંબમાં?
મંંબઈ ઓબીસી આરક્ષણ મુદ્દો નથી કેમ આ એક જ મહાપાલિકા છે જ્યાં એકથી વધુ વોર્ડ સિસ્ટમ અસ્તિત્વમાં નથી.મુંબઈ મહાપાલિકાની ચૂંટણી વિવાદાસ્પદ વોર્ડ સીમાંકનને કારણે વિલંબમાં પડી છે. એ વખતના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વોર્ડની સંખ્યા ૨૨૭માંથી ૨૩૬ કરી હતી. તેને એકનાથ શિંદેની સરકારે ફરી ૨૨૭ કરી છે. આથી ઠાકરે જૂથે શિંદેના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકાર્યો છે. હાઈ કોર્ટે તાજેતરમાં ઠાકરે જૂથની અરજી ફગાવીને વોર્ડ સંખ્યા ૨૨૭ જ રાખવાના નિર્ણયને બહાલી આપી હતી.
હાલ બધા વહીવટદારો રાજ્ય સરકારની સૂચના અનુસાર કામ કરી રહ્યા છે અને વહીવટદારો રહવાસીઓ સાથે અસરકારક રીતે સંપર્ક કરી શકતા નથી. રોજિંદા કાર્યો જેવા કે પાણી પુરવઠો અને સ્વચ્છતાના કાયોને અસર થતી નથી પણ લોકશાહી ઢબે રચાયેલી સંસ્થા જનપ્રતિનિધિ વિના કાર્યરત રહે એ બંધારણનો ભંગ છે, એવો દાવો અરજીમાં કરાયો હતો.