Mumbai

જરાંગે અને સરકાર બંને સામે હાઈકોર્ટે 3જું નેત્ર ખોલ્યું-જરુર પડે અમે ખુદ રસ્તા પર આવશું

By GS TEAM
3 Sep 20253 mins read
જરાંગે અને સરકાર બંને સામે હાઈકોર્ટે 3જું નેત્ર ખોલ્યું-જરુર પડે અમે ખુદ રસ્તા પર આવશું

શબ્દો ચોર્યા વિના કહ્યું, સરકારની ભૂલ છે, રસ્તા ખાલી કરાવી શકાય તેમ હતા

જરાંગેને અગાઉ મંગળવાર સાંજ સુધીમાં મેદાન ખાલી કરવા કહ્યું, વધારે સમયની વિનંતી કરતાં બુધવાર સુધીની મહેતલ આપી ઃ કાયદાની ગરિમાને જાળવી રાખવા હાઈકોર્ટ ગમે તે હદે જશે તેવી  ચિમકી

મુંબઈ - રાજ્ય સરકાર અને મરાઠા આંદોલનકારીઓ વચ્ચે સમાધાન થયું તે પૂર્વે બોમ્બે હાઈકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર અને આંદોલનકારકીઓ બંનેની આકરી ઝાટકણી કાઢી હતી. રાજ્ય સરકારથી અત્યંત નાખુશ હોવાનું નોંધીને, હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે વહીવટીતંત્રે કોર્ટના આદેશોનો અમલ કેમ ન કર્યો અને બળજબરીથી વિસ્તાર ખાલી કરવા માટે પગલાં કેમ શરૃ કર્યા નહીં. પાંચ હજારને બદલે એક લાખથી વધુ લોકો આવી ચડયા તો સરકારે હાઈકોર્ટમાં કેમ અરજી કરી નહીં. તમારી સામે પણ આદેશ આપવો પડશે. તમે તમામ પગલાં લઈ શક્યા હોત. તમે જરાંગેની લોકપ્રિયતા પર મદાર રાખી રહ્યા હતા કે શું?  શરૃઆતમાં મરાઠા ક્વોટા નેતા અને કાર્યકર્તાઓને મંગળવારે બપોરે ૩ વાગ્યા સુધીમાં સ્થળ ખાલી કરવાનો નિર્દેશ આપ્યા બાદ બોમ્બે હાઈકોર્ટે મનોજ જરંગેને તેમના ભૂખ હડતાળના સ્થળ આઝાદ મેદાનમાં આવતીકાલ  એટલે કે ત્રીજી  સપ્ટેમ્બર સવાર સુધી રહેવાની મંજૂરી આપી છે.જો બુધવાર સુધીમાં પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો હાઇકોર્ટ આદેશ પસાર કરવા માટે મજબૂર થશે, અને કાયદાની ગરિમાને જાળવી રાખવા માટે તે કોઈપણ હદ સુધી જશે. હાઈકોર્ટે એક તબક્કે તો સાંજ સુધીમાં પરિસ્થિતિ નહિ સુધરે તો અમે ખુદ રસ્તા પર ઉતરશું તેવી ચિમકી પણ આપી હતી. 

મુખ્ય ન્યાયાધીશ  ચંદ્રશેખર અને ન્યાયાધીશ આરતી સાઠેની બેન્ચને જરાંગેના વકીલે જણાવ્યું હતું કે બુધવાર સવાર સુધીમાં કોઈ ઉકેલ આવવાની શક્યતા છે, ત્યારબાદ હાઈકોર્ટે જરાંગેની વિનંતી સ્વીકારી લીધી હતી.

સવારના સત્રમાં આ જ બેન્ચે જરાંગેને આઝાદ મેદાન ખાલી કરવાનો નિર્દેશ આપ્યો, જ્યાં તેઓ છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ કરી રહ્યા છે, અને તેમના સમર્થકોને બપોરે ૩ વાગ્યા સુધીમાં તે સ્થળ ખાલી કરવાનો આદેશ આપ્યો. જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો તેમને કિંમત ચૂકવવાની અને અવમાનનાની કાર્યવાહીનો સામનો કરવાની ચેતવણી આપી હતી.

જ્યારે બપોરે ૩ વાગ્યે ફરી સુનાવણી થઈ, ત્યારે જરાંગે અને તેમની ટીમ તરફથી હાજર રહેલા વકીલો સતીશ માનેશિંદે અને વીએમ થોરાટે બુધવાર સવાર સુધીનો સમય માંગ્યો હતો, જેથી તેઓ રાજ્ય સરકાર સાથે મરાઠા સમુદાયના સભ્યો માટે અનામત માટેની તેમની માંગણીઓ પર ચર્ચા કરી શકે.

માનેશિંદેએ કહ્યું હતું કે આવતીકાલ સવાર સુધીમાં ઉકેલ આવી જશે તેવી શક્યતા છે, અને ટિપ્પણી કરી કે જો જરાંગે અને કાર્યકર્તાઓને મંગળવારે ત્યાંથી જવા દેવામાં આવે છે, તો તેનો અર્થ આંદોલનનો અંત આવશે.બેન્ચે દલીલ સ્વીકારી અને કેસની વધુ સુનાવણી બુધવારે બપોરે ૧૨ વાગ્યે મુલતવી રાખી હતી.

જોકે, તેમાં નોંધવામાં આવ્યું છે કે જરાંગે જ ૫,૦૦૦ લોકોની મંજૂર  મર્યાદાથી વધુ લોકોને મુંબઈ આવવા માટે ઉશ્કેરવા માટે જવાબદાર વ્યક્તિ હોવાનું જણાય છે. બેન્ચે જણાવ્યું હતું કે આ કેસમાં અન્ય ઘણા ગંભીર મુદ્દાઓ પણ સામેલ છે જેનો જવાબ જરાંગે અને તેમની ટીમે આપવો પડશે.

કોર્ટના આદેશોનો ભંગ સહન કરવામાં આવશે નહીં, અને ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે,એમ ન્યાયાધીશોએ જણાવ્યું હતું.