શાહરૃખને એવોર્ડ મળતા જવાનનો દિગ્દર્શક એટલી ભાવુક થયો
પડદા પાછળની દોસ્તીએ ઈતિહાસ સર્જ્યો
એટલીએ એવોર્ડ વિજેતા સંગીતકાર અનિરુદ્ધ અને ગાયિકા શિલ્પાને પણ બિરદાવ્યા
ગર્વ અને કૃતજ્ઞાતાથી વ્યાપ્ત દિગ્દર્શક એટલીએ તેમની બ્લોકબસ્ટર જવાન (૨૦૨૩) માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે પ્રથમ વાર રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર શાહ રૃખ ખાનને અભિનંદન આપ્યા હતા. વિજેતાઓના નામની ઘોષણા શુક્રવારે થઈ હતી અને શનિવારે સાંજે એટલીએ સોશિયલ મીડિયા પર એસઆરકે સાથે પડદા પાછળના દ્રશ્યોના ફોટા શેર કરીને તેમના સહયોગને પોતાના જીવનની સૌથી અણમોલ પળ વર્ણવીને લાગણીસભર નોટ પોસ્ટ કરી હતી.
પોતાને શાહ રૃખનો ફેન ગણાવીને એટલીએ શાહ રૃખ સાથે કામ કરવાના અનુભવને દૈવી અનુભૂતિ તરીકે વર્ણવ્યો હતો. એટલીએ સાથે ગૌરી ખાન અને રેડ ચીલીઝ એન્ટરટેનમેન્ટ તેમજ પોતાના વિઝન પર ભરોસો રાખવા માટે સમગ્ર પ્રોડક્શન ટીમને પણ અભિનંદન આપ્યા હતા.
એટલીએ ફિલ્મના સંગીતના વિજયને પણ બિરદાવ્યો હતો અને સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર તેમજ ગાયિકા શિલ્પા રાવનો વિશેષ ઉલ્લેખ કરીને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મના ભાવનાત્મક ટ્રેક ચલેયા માટે તેમને અભિનંદન આપ્યા હતા.
પોસ્ટના અંતે એટલીએ લખ્યું કે એક ચાહક તરીકે શાહ રૃખ સાથે કામ કરવું ઈશ્વરના આશીર્વાદ સમાન છે. હું કાયમ તેમનો ફેન રહીશ. તેણે જણાવ્યું કે આ વિજય માત્ર એસઆરકેનો નહિ પણ સમગ્ર જવાન ટીમનો છે.