Updated: May 25th, 2023
પત્નીના નામનો પેટ્રોલ પંપ પ્રેમિકાના નામે કરવાનો હતો
કોન્ટ્રેકટ કિલરે મર્ડર વખતે લૂંટનું નાટક કર્યું : પિતાના અનૈતિક સંબંધ અને ઘરેલું હિંસાથી કંટાળી ગઈ હતી
મુંબઇ : નાગપુરમાં પેટ્રોલ પંર પર લૂંટ અને માલિકની હત્યા કરવાનો કેસ પોલીસ ઉકેલી લીધો છે. આ હત્યા લૂંટના ઇરાદે નહીં પરંતુ મૃતકની પુત્રીએ રૃા. પાંચ લાખની સુપારી આપીને કરવામાં આવી હતી.
પિતાના ત્રણથી ચાર મહિલા સાથેના અનૈતિક સંબંધ તથા માતા, બહેનની મારપીટ કરી ત્રાસ આપતા હોવાથી કંટાળીને આરોપી પુત્રીએ હત્યાનું કાવતરું ઘડયું હતું.
આ પ્રકરણમાં પોલીસે પ્રિયા કિશોર માહુરતળે-સોનટકકેને મુખ્ય આરોપી બનાવી છે.
પોલીસના જણાવ્યા મુજબ નાગપુરમાં ભીવાપુરના પાટીલ પેટ્રોલ પંપ પર દિલીપ રાજેશ્વર સોનટક્કી (ઉ.વ.૫૦)ની બાઇક પર આવેલા ત્રણ આરોપીએ રૃા.૧.૩૪ લાખની લૂંટ કર્યા બાદ હત્યા કરી હતી. પરંતુ પોલીસને આ કેસમાં દાળમાં કાળું હોવાની શંકા હતી.
સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે આરોપી શેખ અફરોઝને પકડીને પૂછપરછ કરી હતી. મૃતક દિલીપના ત્રણથી ચાર મહિલા સાથે અનૈતિક સંબંધ હતા. હંમેશા દિલીપ તે મહિલાઓના ઘરે જ રહેતો હતો. એક પ્રેમિકાનો પેટ્રોલ પંપ તેના નામ પર કરવા માટે દબાણ કરતી હતી.
આ પેટ્રોલ પંપ દિલીપની પત્નીના નામ પર હતું. તે પેટ્રોલ પંપ, એક ખેતર, મકાનમાંથી પત્નીનું નામ ટ્રાન્સફર કરવા ઝઘડો કરતો હતો. પત્ની અને પુત્રીને મારપીટ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.
આથી પ્રિયાએ પિતાની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. ઘરે લાદીનું કામ કરવા આવતા શેખ અફરોઝને તેણે પિતાના મર્ડર માટે રૃા. પાંચ લાખની સુપારી આપી હતી. આરોપ અફરોઝ અને તેના સાથીદારોએ દિલીપની હત્યા અને લૂંટનું નાટક કર્યું હતું.