મુંબઈમાં દેશનો સૌથી મોંઘો 639 કરોડનો રહેણાંક પ્રોપર્ટી સોદો
- ચોરસ ફૂટનો ભાવ અધધ રૂપિયા 2.83 લાખ !
- ફાર્મા કંપનીનાં વડાં લીના ગાંધી-તિવારીએ સ્ટેમ્પ ડયૂટી અને જીએસટીના 63.9 કરોડ ચૂકવતાં કુલ સોદો 703 કરોડનો થયો
મુંબઇ: મુંબઈના વર્લીમાં તાજેતરમાં બે ડુપ્લેક્સ માટે ૬૩૯ કરોડનો સોદો થતાં આ દેશનો કોઈ રહેણાંક પ્રોપર્ટીનો સૌથી મોંઘો સોદો હોવાનું મનાઈ રહ્યું છે. ફાર્મા સેક્ટરનાં લીના ગાંધી તિવારીએ વર્લી સી ફેસની એક બિલ્ડિંગના ૩૨થી ૩૫મા માળ સુધીના ડુપ્લેક્સ પ્રતિ ચોરસ ફૂટના ૨.૮૩ લાખ રુપિયા ચૂકવીને લીધાં છે. સ્ટેમ્પડયુટી અને જીએસટી પેટે તેમણે રૂા. ૬૩.૯ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આમ દરિયાકાંઠા પરના લકઝરીડુપ્લેક્સ ફ્લેટસ પેટે તેમણે કુલ રૂા. ૭૦૩ કરોડ ચૂકવ્યા છે.
પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના દસ્તાવેજો અનુસાર યુએસવી કંપનીનાં ચેરપર્સન લીના ગાંધી-તિવારીએ ગત ૨૮મી મેના રોજ આ પ્રોપર્ટી રજિસ્ટર કરાવી છે. વર્લી સી ફેસ પરની ૪૦ માળની બિલ્ડિંગમાં તેમણે બે ડુપ્લેક્સ ખરીદ્યાં છે. આ ડુપ્લેક્સ ૩૨માંથી ૩૫મા માળ સુધી વિસ્તરેલાં છે. તેનું સમગ્ર ક્ષેત્રફળ ૨૨,૫૭૨ ચોરસ ફૂટ થાય છે.
આ બિલ્ડિંગમાં કુલ ૨૨ ડુપ્લેક્સનો સમાવેશ થાય છે. દરેક ડુપ્લેક્સને બે બાજુએથી દરિયાનો તથા સિટીનો વ્યૂ મળે છે. દેશનો સૌથી મોંઘો પ્રોપર્ટી સોદો કરનારાં લીના ગાંધી-તિવારી ૩૦,૦૦૦ કરોડની નેટવર્થ ધરાવે છે. ભારતનાં સૌથી શ્રીમંત મહિલા ઉદ્યોગપતિઓમાં તેમનો સમાવેશ થાય છે. યુએસવી કંપનીની સ્થાપના તેમના દાદા વિઠ્ઠલ બાલકૃષ્ણ ગાંધીએ ૧૯૬૧માં કરી હતી. તેમના પતિ પ્રશાંત તિવારી તથા સંતાનો પણ આ કંપની સાથે સંકળાયેલાં છે. મુંબઈના વર્લી વિસ્તારમાં જ અગાઉ દેશના અનેક ઉદ્યોગપતિઓ મોંઘી રિયલ એસ્ટેટ ડીલ કરી ચૂક્યા છે. હજુ થોડા સમય પહેલાં જ બેન્ક ઉદય કોટકે આ વિસ્તારમાં ૪૦૦ કરોડમાં એક બિલ્ડિંગના તમામ ફલેટ્સ ખરીદી લીધા હતા.
મુંબઇના રિયલ એસ્ટેટ માર્કેટમાં ૨૦૨૪માં પણ પ્રતિ ચોરસ ફીટનો કિંમતનો નેશનલ રેકોર્ડ દક્ષિણ મુંબઇમાં જ નોંધાયો હતો. તે વખતે અલ્ટામાન્ટ રોડ પર રૂા. ૨.૨૫ લાખ અને ભૂલાભાઇ દેસાઇ રોડ પર રૂા. ૨.૦૯ લાખના ભાવે ફ્લેટસ અન્ય કોઇ અજબપતિ દ્વારા ખરીદવામાં આવ્યા હતા.
મધ્યમ વર્ગના વ્યક્તિ માટે તો યોગ્ય લોકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા ૨-૩ કરોડ રૂપિયાની અંદર પ્રોપર્ટી પણ એક સ્વપ્ન સમાન છે ત્યારે આવા એચએનઆઇ વિક્રમજનક ભાવે એક પછી એક મોંધીદાટ પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. એક સર્વે અનુસાર ૨૦૨૪માં આવી ૫૯ અલ્ટ્રા લકઝુરિયસ પ્રોપર્ટીના રુપિયા ૪,૦૬૩ કરોડના સોદા થયા છે. દેશમાં આવા ૫૯ સોદામાંથી બાવન સોદા એકલા મુંબઈમાં થયા છે. મુંબઈમાં ૨૦૨૪માં ૧૦૦ કરોડથી વધુની રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ૧૭ સોદા થયા હતા.