સારંગખેડા અશ્વ બજારમાં જાતવાન કાઠિયાવાડી ઘોડીની કિંમત બે કરોડ
- બજારમાં બે હજારથી વધુ ઘોડા ઉમટયા
મુંબઇ, તા. 16 ડીસેમ્બર, 2017, શનિવાર
મહારાષ્ટ્રના સારંગખેડામાં ભરાયેલા અશ્વબજારમાં જાતવાન કાઠિયાવાડી ઘોડી 'પદ્મા'ની બે કરોડ કિંમત બોલાઈ રહી છે. રૃની પૂણી જેવાં સફેદ રંગની આ ઘોડીને દરરોજ ૧૫ લીટર દૂધ પીવડાવવામાં આવે છે. એટલું જ નહીં કાજુ, બદામ અને કિસમિસ ખવડાવવામાં આવે છે. તેની સંભાળ લેવા માટે બે સેવકો ખડેપગે હાજર હોય છે.
સારંગખેડામાં એકમુખી દત્ત દત્તાત્રય યાત્રા નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અશ્વબજાર ભરાયું છે. દેશદેશાવરથી લગભગ બે હજારથી વધુ અશ્વો લાવ વામાં આવ્યા છે. શ્વેત ઘોડી પદ્માને ઇન્દોરથી લાવવામાં આવી છે. પદ્મા જ્યારે અશ્વ બજારમાં દાખલ થઈ ત્યારે વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેને જોવા માટે ભારે ભીડ જામી હતી. અશ્વ બજારમાં યોજાનારી સૌંદર્ય સ્પર્ધામાં પણ પદમા ભાગ લેવાની છે. અત્યાર સુધીમાં આ બજારમાં સાડાસાતસો અશ્વોનું વેચાણ થઈ ગયું છે.