ફોરેક્સ ટ્રેડિંગ સ્કેમમાં થાણેના બિઝનેસમેન સાથે રૃા.4.11 કરોડની છેતરપિડી
વિદેશમાં રહેલી ભેજાબાજોની ગેગ દ્વારા ઠગાઈ
રોકાણ પર ઉચ્ચ વળતરની ખાતરી આપનારા વિદેશી નાગરિકો અને ઓનલાઇન ટ્રેડિંગ કંપની સામે કેસ
મુંબઈ - યુવાન બિઝનેસમેન સાથે ફોરેક્સ ટ્રેડિંગના બહાને વિદેશી નાગરિક સહિત સાયબર ટોળકીએ રૃા.૪.૧૧ કરોડની છેતરપિંડી કરી હોવાનું પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. થાણેના
સાયબર પોલીસે ઉદ્યોગપતિની ફરિયાદના આધારે કેટલાક વિદેશી નાગરિકો અને એક ઓનલાઇન ટ્રેડિંગ કંપની સામે કેસ નોંધ્યો હતો. પોલીસે ટ્રેસી કલાર્ક, પોલ જે ટયુડર, બ્રાન કેમરોન, બેન્જામિન જાડોર તેમજ મેટાક્સોપ્શન કંપની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪) ૩૧૬(૫) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકર હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપી ટોળકીએ માર્ચ અને જુલાઇ ૨૦૨૫ની વચ્ચે તેમનો સંપર્ક કરી ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા માટે સમજાવ્યા હતા.
સાયબર ગેંગ બિઝનેસમેનને સમયાંતરે ટ્રેડિંગ લિંક્સ મોકલતા હતા અને રોકાણ પર ઉંચા વળતરની ખાતરી આપતા હતા. તેમના દાવાઓ પર વિશ્વાસ કરીને ફરિયાદીએ આરોપીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા બેન્ક ખાતાઓમાં રૃા.૪.૧૧ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. એમ અધિકારીએ જણાવ્યું હતું.પીડિત વ્યક્તિએ આરોપીઓને વળતર અંગે પૂછપરછ કરી હતી. ત્યારે તેઓ તેને ટાળવા લાગ્યા હતા. આમ છેતરપિંડી થઇ હોવાનું જણાતા બિઝનેસમેને પોલીસને મામલાની જાણ કરી હતી. આ ટોળકી વિદેશમાંથી કામ કરતી હોવાની શંકા છે. આરોપીઓના બેન્ક ખાતા અને અન્ય માહિતી મેળવવામાં આવી રહી છે. આ રેકેટમાં હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.