થાણેમાં ફિલ્મી સ્ટાઈલમાં તડીપાર ગુંડા દ્વારા કાર હેઠળ ચગદી નાખી એકની હત્યા

નાયબ સીએમ શિંદેના હોમ ટાઉનમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા
ગણેેશ વિસર્જનની ભીડ ટાણે જ બેખોફ થઈ કાર બે-ત્રણ વાર ચઢાવી માથું છુંદી નાખ્યું ઃ અન્ય વ્યક્તિને પણ ટક્કર મારતાં ગંભીર ઈજા
મુંબઇ - નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના હોમટાઉન થાણેના વાગ્લે એસ્ટેટ વિસ્તારમાં જૂની દુશ્માનવટને લઇ ભરદિવસે કાર હેઠળ કચડી એક આધેડની હત્યા કરી નાંખવામાં આવતા ચકચાર મચી ગઇ છે. મૃત વ્યક્તિના મિત્ર પર પણ કાર ચઢાવી દેવાતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. કોઈ ફિલ્મનો સીન ચાલતો હોય તેમ એક તરફ વિસર્જન યાત્રાના કારણે ભારે ભીડ જામી હતી તેની વચ્ચે જ એક તડીપાર ગુંડા તથા તેના સાગરિતોએ આ હત્યાને અંજામ આપતાં સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે સવાલો ઉઠયા હતા.
આ ઘટના અંગે થાણે શહેરના શ્રીનગર પોલીસ મથકમાં સંતોષ પવાર, મહેશ પવાર, અમિત પવાર અને મહેશ પાટીલ નામના ચાર વ્યક્તિ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે એકની ધરપકડ કરી છે.
ભારે ક્રૂરતાથી તથા કાયદાના શાસનથી તમા રાખ્યા વિના આ હત્યાને અંજામ અપાયો હતો. મૃત વ્યક્તિનો છુંદાયેલો મૃતદેહ ભરરસ્તા પર પડયો રહેતા થાણેમાં કાયદો અને સુવ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. આ હત્યા કેસનો મુખ્ય આરોપી સંતોષ તડીપાર જાહેર કરાયો હતો. તેમ છતાં આ ઘટના બનતા પોલીસની કાર્ય પદ્ધતિ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર મૃતક વ્યક્તિનું નામ વિઠ્ઠલ ગાયકર (૪૫) છે. અને આ હુમલામાં ગંભીર ઇજા પામેલ તેના મિત્રનું નામ શંકર વરઠે છે. શંકર વરઠે અને મુખ્ય આરોપી સંતોષ પવાર વચ્ચે જગ્યાની માલિકીના કારણોસર વાદ- વિવાદ ચાલી રહ્યો હતો. સંતોષની સામે ગુનો નોંધાયા બાદ તેનો જામીન પર છુટકારો થયો હતો. સંતોષને થાણે પોલીસે તડીપાર કર્યો હોવા છતાં તે અવારનવાર થાણેના તેના ઘરે પહોંચી જતો હતો.
મંગળવારે રાત્રે ૮.૩૦ વાગ્યાની આસપાસ શંકર વરઠે તેના મામાનો દીકરો બાબુ બરફ તેનો મિત્ર વસંત ટોકરે અને મૃતક વિઠ્ઠલ ગાયકર વાગ્લે એસ્ટેટના રોડ નં. ૨૭ ખાતે ગણેશ વિસર્જનની શોભાયાત્રા જોવામાં વ્યસ્ત હતા.
આ સમયે આરોપી સંતોષ પવારે અહીં હાજર વસંત ટોકરે પર હુમલો કરી તેની મારપીટ શરૃ કરી હતી. આ દ્રશ્ય જોઇ શંકર અને બાબુ ઝઘડો છોડાવવા વચ્ચે પડયા હતા. જ્યારે બીજી તરફ સંતોષનો ભાઇ મહેશ પવારે તેનો મિત્ર મહેશ અને અમિત પણ એક વાહનમાં ત્યાં આવી પહોંચ્યા હતા. આ લોકોએ બાબુની મારપીટ કરી હતી. આ દરમિયાન વસંત ટોકરે વિવાદ થતા ત્યાંથી ચાલ્યો ગયો હતો. બાબુ શ્રીનગર પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયો હતો.
આ દરમિયાન સંતોષ અને મહેશ કારમાં બેઠા હતા. આ સમયે શંકર તેમની સમજાવટ કરી રહ્યો હતો. તે દરમિયાન સંતોષે કાર શરૃ કરી હતી અને સામે ઉભેલા વિઠ્ઠલને જોરદાર ટક્કર મારી હતી. તેથી વિઠ્ઠલ ગાયકર નીચે પડી ગયા હતા. ત્યારબાદ સંતોષે નીચે પડેલા વિઠ્ઠલ પર બેથી ત્રણવાર કાર ચલાવી તેમને કચડી માર્યા હતો. આ ઘટનામાં વિઠ્ઠલનું માથુ પૂર્ણ રૃપે છુંદાઇ ગયું હતું. વિસર્જન વખતે લોકોની વ્યાપક હાજરી વચ્ચે આ હત્યાકાંડને લીધે ખળભળાટ મચો ગયો હતો. સંતોષે શંકરને પણ કારથી ટક્કર મારી હતી પણ તેનો બચાવ થયો હતો.
આ વાતની જાણ થતા જ શ્રીનગર પોલીસની એક ટીમ ઘટના સ્થળે ધસી ગઇ હતી અને વિઠ્ઠલના મૃતદેહને ત્યાંથી હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે આ પ્રકરણે હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી એકની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ કાર જપ્ત કરી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.









