મહારાષ્ટ્રમાં લગ્ન પૂર્વે થેલેસિમિયા પરીક્ષણ ફરજિયાત બનાવાશે
દરેક જિલ્લામાં થેલેસિમિયાનાં સારવાર કેન્દ્રો શરુ કરાશે
રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં નિયમો ઘડાશે, રાજ્યમાં હાલ થેેલેસિમિયાના ૧૨ હજારથી વધુ દર્દી
મુંબઇ - લગ્ન અગાઉ થેલેસેમિયાનું પરીક્ષણ ફરજિયાત બનાવવાના નિયમો ટુંક સમયમાં ઘડવામાં આવશે તેવું મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય પ્રધાન મેઘના બોર્ડીકરે ગુરુવારે વિધાનસભામાં જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં હાલમાં થેલેસેમિયાના ૧૨,૮૬૦ દર્દીઓ છે તેવું મેઘના બોર્ડીકરે એક વિધાનસભ્યના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું. નાગપુરના વિધાનસભ્ય અને કોંગ્રેસના નેતા વિકાસ ઠાકરેએ વિધાનસભાના પ્રશ્નોત્તરી વખતે થેલેસેમિયાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
થેલેસેમિયા લોહીનો એક અનુવાંશિક રોગ છે જે હેમોગ્લોબીન અને સ્વસ્થ રેડ બ્લડ સેલ્સ ઉત્પન્ન કરવાની શરીરની ક્ષમતા કુંઠિત કરે છે. થેલેસેમિયાનું પરીક્ષણ લગ્ન અગાઉ કરવાનું ફરજિયાત બનાવવું જોઇએ તેવી ઠાકરેની માંગણી સંબંધમાં મેઘના બોર્ડિકરે કહ્યું કે આ ગંભીર આનુવંશિક બિમારી છે જેનું સમયસર નિદાન નહીં થાય તો આગામી પેઢીને પણ વારસામાં મળે છે. પરભણીમાં અમે એક પાયલટ પ્રોજેક્ટ શરૃ કર્યો છે પણ જેને વિસ્તૃત કરીને રાજ્યમાં પણ હાથ ધરવામાં આવશે. દરેક જિલ્લામાં થેલેસેમિયાની સારવારના કેન્દ્રો શરૃ કરવામાં આવશે તેવું બોર્ડિકરે કહ્યું હતું.
થેલેસેમિયાનું ટેસ્ટિંગ લગ્ન અગાઉ, સગર્ભા વસ્થામાં અને માતા બન્યા પછી એમ ત્રણ તબક્કામાં થઇ શકે છે. વિશ્વમાં કુલ વસ્તીના ૭ ટકામાં થેલેસેમિયાના જનીનહાજર હોય છે.
મહારાષ્ટ્રના જિલ્લાઓની સરકારી હોસ્પિટલમાં એમઆરઆઇ સ્કેન, સોનોગ્રાફી, ટુડી ઇકો, નિયમિત બલ્ડટેસ્ટિંગ જેમાં સીબીસી, એલએફટી, કેએફટી, સીરપ ફેરેટિન, ટીએફ્ટી વિગેરે કરી શકાય તેવો નિર્ણય લેવાયો છે.
દરમિયાન રાજ્યમાં કેન્સર ડાયેગ્નોસ્ટિક વેન્સ બમણી કિંમતે ખરીદવામાં આવ્યા હતા તેવો પ્રશ્ન શિવસેના (યુબીટી)ના વિધાનસભ્યે ઉઠાવ્યો હતો. રાજ્ય સરકારે ૮ કેન્સર ડાયેગ્નોસ્ટિક વાહનો ખરીદ્યા છે જે વધુ કિંમતે લેવામાં આવ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસના નેતા વડેટ્ટીવારે કર્યો હતો. તેમણે કહ્યું કે એક વેનની કિંમત રૃા. ૪૦ લાખથી વધુ નહી હોવી જોઇએ અને તેમાંના સાધનોની કિંમત રૃા. ૧૨ લાખથી વધુ હોવી નહીં જોઇએ જ્યારે સરકારના આરોગ્ય વિભાગે વધુ કિંમત ચૂકવી હતી તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. મહારાષ્ટ્ર હેલ્થ ડિપાર્ટમેન્ટ કમિશનર કથિત ભ્રષ્ટાચાર બાબતમાં તપાસ કરી રહ્યા છે તેવું બોર્ડીકરે કહ્યું હતું. વર્તમાન સત્રના અંત (૧૮મી જુલાઇ) અગાઉ ઇન્કવાયરી રિપોર્ટ ગૃહમાં રજૂ કરવાના નિર્દેશ સ્પીકર રાહુલ નાર્વેકરે આપ્યા હતા.