તેલુગુ હિરોઇન ડિમ્પલ હયાતી અને તેના પતિ ડેવિડ સામે નોકરાણીએે મારપીટનો કેસ કર્યો

હિરોઇન અને તેના પતિએ નોકરાણીની મારપીટ કરી મોબાઇલ ફોન તોડી નાંખ્યો
ઝઘડામાં નોકરાણીના કપડાં ફાટી જતાં તેનો વિડિયો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ
અતરંગી રે નામની હિન્દી ફિલ્મમાં દેખા દેનારી તમિલ અને તેલુગુ ફિલ્મોની જાણીતી હિરોઇન ડિમ્પલ હયાતી તથા તેના પતિ ડેવિડ સામે તેમની નોકરાણી પ્રિયંકા બીબરે હૈદરાબાદના ફિલ્મનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવી તેની સાથે સતામણી અને મારપીટ કરવાનો તથા અપમાનજનક વર્તન કરવાનો કેસ નોંધાવ્યો હતો. ૨૯ સપ્ટેમ્બરે નોકરાણી અને હિરોઇન તથા તેના પતિ સાથે ઝઘડો થતાં ડેવિડે તેનો મોબાઇલ ફોન છીનવી લઇ તેને તોડી નાંખ્યો હતો. એ પછી નોકરાણી તેના એજન્ટની સહાયથી પોલીસ પાસે પહોંચી જતાં તે બચી ગઇ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી ૨૨ વર્ષની પ્રિયંકા બીબર ઓડિશાની વતની છે. તેને સાઇ ગુડવિલ સર્વિસ દ્વારા ૨૨ સપ્ટેમ્બરે તે ઓડિશાના રાયગઢ જિલ્લામાંથી હૈદરાબાદ આવી હતી. તેને ડિમ્પલ હયાતીના ઘરમાં નોકરાણી તરીકે કામ મળ્યું હતું. નોકરાણીએ જણાવ્યું હતું કે કામે લાગ્યા બાદ આ હિરોઇન અને તેનો પતિ સતત તેનું અપમાન કરતાં હતા. તેને ખાવાનું પણ આપવામાં આવતું નહોતું અને ગાળો દેવામાં આવતી હતી. નોકરાણીના જણાવ્યા અનુસાર તેને જણાવવામાં આવ્યું હતું તે તેની હેસિયત તેમના જૂતાં જેટલી પણ નથી.
નોકરાણીએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે ૨૯ સપ્ટેમ્બરે તેમની વચ્ચે ઝઘડો થતાં ડિમ્પલ અને ડેવિડે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. બંને જણાંએ મારા માતાપિતાને મારી નાંખવાનીધમકી આપી હતી. મેં જ્યારે ઝઘડાને રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ડેવિડે તેનો ફોન છીનવી લઇ તેને તોડી નાંખ્યો હતો. મારી પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. જેમાં મારા કપડાં ફાટી જતાં તેમણે નગ્નાવસ્થામાં મારો વિડિયો શૂટ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. નોકરાણીએ ઉમેર્યું હતું કે ગમેતેમ કરી હું મારા એજન્ટની મદદથી પોલીસ પાસે પહોંચી જતાં હું બચી ગઇ હતી.
નોકરાણીની ફરિયાદ લઇ પોલીસે બીએનએસની કલમ ૭૪,૭૯ અને ૩૫૧(૨) અને ૩૨૪(૨) હેઠળ ડિમ્પલ અને તેના પતિ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ડિમ્પલ હયાતીએ ૨૦૧૭માં તેલુગુ ફિલ્મ ગલ્ફ દ્વારા એક્ટિંગની દુનિયામાં પ્રવેશકર્યો હતો. તેણે આનંદ એલ.રાયની ફિલ્મ અતરંગી રેમાં પણ કામ કર્યું છે. જેમાં તે ધનુષની વાગ્દતા મંદાકિની ની ભૂમિકામાં હતી. આ ઉપરાંત ડિમ્પલે ખિલાડી, યુરેકા અને દેવી ૨ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ડિમ્પલ અને તેના પતિ સામે ૨૦૨૩માં પણ એક આઇપીએસ અધિકારીની ગાડીને ટક્કર મારવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.








