ઓનલાઈન જુગારમાં 1200 રૂપિયા હારી જતાં તરુણનો આપઘાત
નાસિકના તરુણે ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પરિવારનો એકમાત્ર પુત્ર માતાના મોબાઈલમાં ઓનલાઈન રમતો હતોઃ પૈસા હારી જતાં ભારે માનસિક તાણ હેઠળ પગલું
પોલીસે આપેલ વિગતાનુસાર નાસિક રોડના આર્ટિલરી સેન્ટર રોડ પાસેના ડાયમેડ નગર વિસ્તારમાં રહેતા સમ્રાટ સંદિપ ભાલેરાવ (૧૬) નામના કિશોરને ઓનલાઇન ગેમના માધ્યમથી જૂગાર રમવાની આદત પડી ગઇ હતી. આ ગેમમાં તેણે ઓનલાઇન જુગારમાં ૧૨૦૦ રૂપિયાની રકમ ગુમાવી હતી. રમતમાં આ રકમ ગુમાવી દેતા તે બે-ત્રણ દિવસથી તણાવમાં હતો. બુધવારે તેની માતા અને બે બહેનો કામસર બહાર ગયા હતા ત્યારે ઘરમાં કોઇ ન હતું ત્યારે તેણે બેડરૂમમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
આ ઘટના બાદ કિશોરના કાકા જ્ઞાાનેશ્વર ભાલેરાવ ઘરે આવ્યા ત્યારે સમ્રાટ તેમને બેભાન અવસ્થામા ગળાફાંસો ખાધેલી હાલતમાં નજરે પડયો હતો. તેમણે તાત્કાલિક સમ્રાટને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. ડૉકટરોએ તેને દાખલ કરવા પહેલા તપાસીને મૃત જાહેર કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ તે માતાના મોબાઇલમાં એક ઓનલાઇન ગેમમાં જુગાર રમતો હતો તે સતત પૈસા હારતો હોવાથી ખૂબ જ તણાવમાં રહેતો હતો. ઘરવાળાઓને તે ઓનલાઇન ગેમ રમે છે તેની જાણ ન થાય તે માટે તે સતત હિસ્ટ્રી ડિલિટ કરતો રહેતો હતો. આ ઘટના બાદ પોલીસે વધુ તપાસ માટે તેનો ગેમ તાબામાં લીધો છે. આ ઘટના બાબતે નાસિકના ઉપનગર પોલીસ મથકમાં આકસ્મિક મૃત્યુની નોંધ કરવામાં આવી છે.