Mumbai

કો પાયલટ કુંદર અને ફ્લાઇટ એટેન્ડન્ટ સોનઘારને અશ્રુભીની વિદાય

By GS TEAM
20 Jun 20253 mins read
કો પાયલટ  કુંદર અને ફ્લાઇટ એટેન્ડન્ટ સોનઘારને અશ્રુભીની વિદાય

અમદાવાદ ક્રેશના  ક્રૂ મેમ્બર્સના અંતિમ સંસ્કાર

રોશનીનાં આવતાં વર્ષે લગ્ન થવાનાં હતાં ઃ હજુ પણ ક્રૂ મેમ્બર ઈરફાન શેખ તથા દીપક પાઠકના  મૃતદેહ સોંપાયા નથી

મુંબઈ -         અમદાવાદમાં ગયા અઠવાડિયે ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનના કો-પાયલટ ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર અને ફ્લાઇટ એટેન્ડન્ટ રોશની સોનઘારેના અંતિમ સંસ્કાર ગુરુવારે કરવામાં આવ્યા હતા.તેમને પરિવારના સભ્યો અને મિત્રો સહિત સેંકડો લોકોએ ભાવનાત્મક વિદાય આપી હતી. 

      મુંબઈના શિવરી ખ્રિસ્તી કબ્રસ્તાનમાં બપોરે કુંદરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જ્યારે દુર્ઘટનાના એક અઠવાડિયા પછી અમદાવાદથી પાથવ દેહ ડોમ્બિવલીમાં લાવવામાં આવ્યા બાદ સોનઘારેની અંતિમવિધિ કરાઈ  હતી.

      વિમાનમાં અકસ્માતમાં જીવ ગુમાવ્યા પછી ભીની આંખોવાળા ઘણા લોકો કુંદરના ફોટા હાથમાં પકડીને તેમને અંતિમ વિદાય આપતા જોવા મળ્યા હતા. કુંદરના અવશેષો સાથેનો કાસ્કેટ ફ્લાઇટ દ્વારા વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પહોંચ્યો અને ગોરેગાંવ (પશ્ચિમ) ના રામ મંદિર રોડ પર આવેલા સનટેક સિટી ખાતેના તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો.

    કુંદર મુંબઈમાં તેના વૃદ્ધ માતા-પિતા અને નાની બહેન સાથે રહેતો હતો.કુંદરના પરિવારના સભ્યો,ઘણા મિત્રો અને સંબંધીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા અને બાદમાં તેમના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હતો.

      નશ્વર દેહને બપોરે એક વાગ્યા સુધી કુંદરના ઘરે રાખવામાં આવ્યો અને બાદમાં તેને કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યો હતો.  ૧૨ જૂનના રોજ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ -૧૭૧માં ૨૪૨ મુસાફરો અને ક્ સભ્યો હતા.અમદાવાદમાં  એક મેડિકલ હોસ્ટેલ સંકુલમાં વિમાન અથડાતાં એક પ્રવાસી સિવાય બધાના મોત થયા હતા અને બહાર અન્ય ૨૯ લોકો પણ મૃત્યુ પામ્યા હતા.

   ફલાઈટના કેપ્ટન  મુંબઈના સુમિત સભરવાલના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવ્યા હતા.

      ફ્લાઇટ એટેન્ડન્ટ સોનઘારે (ઉ.વ.૨૭) ના અંતિમ સંસ્કાર સવારે ડોમ્બિવલીમાં કરવામાં આવ્યા હતા. શોકગ્રસ્ત તેમના પિતા રાજેન્દ્ર સોનઘારેએ સ્થાનિક સ્મશાનગૃહમાં અંતિમવિધિ કરી હતી.

    ડીએનએ પરીક્ષણ દ્વારા તેની ઓળખની પુષ્ટિ થયા પછી બુધવારે મોડી રાત્રે રોશનીના નશ્વર અવશેષો પરિવારને સોંપવામાં આવ્યા હતા.

     એર ઇન્ડિયાની એક ખાસ ફ્લાઇટ દ્વારા મૃતદેહને મુંબઈ પછી  ડોમ્બિવલી લઈ જવામાં આવ્યો હતો. શોકગ્રસ્તોનો સતત પ્રવાહ તેમના નિવાસસ્થાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યો હતો.   

    સોનઘારે બે વર્ષ પહેલાં એર ઇન્ડિયામાં જોડાતા પહેલા સ્પાઇસજેટમાં નોકરી કરતીહતી. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શ્રદ્ધાંજલિનો વરસાદ થયો હતો.તેના ૫૪ હજારથી   વધુ ફોલોઅર્સ હતા.આવતા વર્ષે માર્ચમાં  થાણેના એક મર્ચન્ટ નેવી ઓફિસર સાથે લગ્ન કરવાની હતી.

    રોશનીએ જીવનમાં સ્થાયી થવાનું શરૃ જ કર્યું હતું.અમારા સપના હતા. તે હવે ચકનાચૂર થઈ ગયા છે,એમ  પરિવારના એક સભ્યએ કહ્યું હતું.

     એક અધિકારીએ કહ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૨૭૦માંથી ૧૯ લોકો મહારાષ્ટ્રના રહેવાસી હતા અથવા રાજ્ય સાથે જોડાયેલા હતા.એમાં બંને પાયલટનો પણ સમાવેશ છે.૧૯ માંથી પાંચના અંતિમ સંસ્કાર ગુજરાતમાં કરવામાં આવ્યા હતા કારણ કે તેઓ પાડોશી રાજ્યમાં રહેતા હતા.

   તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં, મહારાષ્ટ્રના પાયલટ અને ક્ સભ્યો સહિત ૧૨ મૃતકોના મૃતદેહ તેમના પરિવારના સભ્યોને ડીએનએ મેચિંગ દ્વારા ઓળખ કર્યા પછી અંતિમ સંસ્કાર માટે સોંપવામાં આવ્યા છે.

ક્ મેમ્બર ઇરફાન શેખ અને દીપક પાઠકના મૃતદેહ હજુ સુધી પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યા નથી કારણ કે તેમના ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા ચાલુ હતી.