વસઈ-વિરારમાં 52000 ડુપ્લીકેટ મતદારોને શોધવા ટીમો રચાઈ

વોર્ડવાર 6 6 કર્મચારીઓની ટીમ ડુપ્લીકેટ મતદારોને અલગ તારવશે
બે સ્થળે નામ ધરાવતાં મતદારો એક જ સ્થળે મતદાન કરે તે સુનિશ્ચિત કરાશેઃ વાંધાઓની સુનાવણી બાદ 22મી ડિસેમ્બરે અંતિમ યાદી
મુંબઇ - મતદાર યાદીમાં મૂંઝવણ અને ડુપ્લિકેટ નામોને કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે. વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા વોર્ડમાં મતદારોના ડુપ્લિકેટ નામો હોવાનું બહાર આવ્યું છે. ૨૯ વોર્ડમાં, લગભગ ૫૨,૩૭૮ મતદારોના નામ યાદીમાં ડુપ્લિકેટ છે અને મ્યુનિસિપલ વહીવટીતંત્રે તે મતદારોને શોધવા માટે ટીમો નિયુક્ત કરીને કામ શરૃ કર્યું છે.
વસઈ-વિરાર મ્યુનિસિપલ વિસ્તારમાં ૨૯ વોર્ડ છે. આ વખતે ૨૮ વોર્ડમાં દરેક ૪ કોર્પોરેટર ચૂંટાઈ આવનાર છે. જ્યારે ૨૯મા વોર્ડમાંથી ત્રણ કોર્પોરેટર ચૂંટાશે. કુલ ૧૧૫ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે અનામત પ્રક્રિયા ૧૧ નવેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. ત્યાર બાદ, મહાનગરપાલિકાએ ગુરુવાર, ૨૦ નવેમ્બરના રોજ વોર્ડમાં વોર્ડવાર મતદાર યાદીઓ પ્રકાશિત કરી છે. આ પ્રકાશિત ડ્રાફ્ટ મતદાર યાદીમાં ૧૧ લાખ ૨૭ હજાર ૬૪૦ મતદારોનો સમાવેશ થાય છે. ૧ જુલાઈ, ૨૦૨૫ સુધીની વિધાનસભા મતદાર યાદી આ તમામ વોર્ડ માટે માનવામાં આવી છે.
મહાનગરપાલિકા તરફથી વોર્ડ પ્રમાણે ટીમો..
વસઈ-વિરારમાં ડુપ્લિકેટ નામ ધરાવતા મતદારો શોધવા માટે મહાનગરપાલિકાએ વોર્ડ પ્રમાણે ટીમોની નિમણૂક કરી છે. નવ વોર્ડમાં નવ ટીમો છે અને એક ટીમમાં છ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડુપ્લિકેટ નામ ધરાવતા મતદારો ક્યાં મતદાન કરશે? મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ અન્યત્ર મતદાન ન કરે તે માટે બાંહેધરી લખાવવામાં આવશે.
કુલ મતદારો - ૧૧,૨૭,૬૩૭
કુલ પુરુષ મતદારો - ૬,૦૧,૭૪૧
કુલ મહિલા મતદારો - ૫,૨૫,૭૫૦
કુલ અન્ય મતદારો - ૧૪૬
પુનરાવતત મતદારો - ૫૨,૩૭૮
આરક્ષણ અંગે ૩૪૯ વાંધા પ્રાપ્ત થયા..
વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી અનામત ડ્રોમાં અત્યાર સુધીમાં ૩૪૯ વાંધા પ્રાપ્ત થયા છે. સહાયક કમિશનર (ચૂંટણી) વિશ્વનાથ તાલેકરે જણાવ્યું છે કે, આ વાંધાઓની ચકાસણી ટૂંક સમયમાં કરવામાં આવશે અને વાંધાકર્તાઓને જવાબ આપવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચે રાજ્યની ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોની આગામી ચૂંટણીઓ માટે ડ્રાફ્ટ મતદાર યાદીઓ અંગે વાંધા અને સૂચનો નોંધાવવાની અંતિમ તારીખ ૩ ડિસેમ્બર સુધી લંબાવી છે. અગાઉ વાંધા નોંધાવવાની અંતિમ તારીખ ૨૭ નવેમ્બર હતી, પરંતુ ચૂંટણી પંચે આ સમયપત્રકમાં સુધારો કર્યો છે. આ સુધારેલા કાર્યક્રમ મુજબ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવાની તારીખ હવે ૨૨ ડિસેમ્બર રહેશે.

