Mumbai

દાદરની શાળામાં 5 વિદ્યાર્થિનીઓ સાથે શિક્ષકનાં અડપલાં

By GS TEAM
19 Dec 20252 mins read
દાદરની શાળામાં 5 વિદ્યાર્થિનીઓ સાથે શિક્ષકનાં અડપલાં

ધો. 6ની  વિદ્યાર્થિનીને ખોળામાં બેસવા કહ્યું, અશ્લીલ ફોટા બતાવ્યા

પોલીસ શાળાએ તપાસ માટે પહોંચી તો અન્ય ચાર વિદ્યાર્થિની પણ ભોગ બની હોવાની ખબર પડીઃ લંપટ શિક્ષકને ચાર દિવસના રિમાન્ડ

મુંબઈ -  દાદરની એક સ્કૂલમાં ગણિતના શિક્ષકે પાંચ વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના બાદ શિક્ષક સામે પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

 છઠ્ઠા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીએ  તેની સાથે બનેલી ઘટનાની જાણ તેના માતા-પિતાને કરતા આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. શિક્ષકે એક જ ક્લાસની ચાર અન્ય વિદ્યાર્થિનીઓની પણ આ રીતે સતામણી કરી હોવાનું પૂછપરછમાં સ્પષ્ટ થયું હતું.

આ બાબતે પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે શિક્ષકે છઠ્ઠા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીને અયોગ્ય સ્પર્શ કર્યો હતો અને તેને ખોળામાં બેસવા કહ્યું હતું. આ ઉપરાંત તેને અમુક ફોટા અને વીડિયો પણ બતાવ્યા હતા. ઘરે આવ્યા બાદ વિદ્યાર્થિનીએ તેના માતા-પિતાને આ વાતની જાણ કરી હતી. આ વાતથી ચોંકી ઉઠેલા વિદ્યાર્થિનીના માતા-પિતાએ તરત જ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ભારતીય ન્યાયસંહિતાની વિવિધ કલમો હેઠળ સંબંધિત શિક્ષક સામે ગુનો નોંધ્યો હતો.

આ  બાબતે પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બાદ જ્યારે સ્કૂલની મુલાકાત લઈ વિગત મેળવવામાં આવી અને અન્ય વિદ્યાર્થિનીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે આ વર્ગની અન્ય ચાર વિદ્યાર્થિનીઓ સાથે પણ શિક્ષકે આ રીતે ગેરવર્તન કર્યું હતું. ત્યાર બાદ પોલીસે સોમવારે શિક્ષકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. શિક્ષકને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ વધુ વિદ્યાર્થિની આવી ફરિયાદ સાથે આગળ આવે તો તરત પોલીસને જાણ કરે.