ક્ષય નાબૂદ કરવા ૧૦૦ દિવસની વિશેષ ઝુંબેશ
રાજ્યભરમાં ૧૪ વર્ષથી મોટી વયના દોઢ કરોડ લોકોના આરોગ્યની તપાસ થશે
મુંબઇ - ભારતને ક્ષયરોગ (ટી.બી.) મુક્ત કરવા માટે કેન્દ્ર સરકારે ૧૦૦ દિવસની વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ દરમ્યાન ચોંકાવનારી હકિકત બહાર આવી છે. આખા દેશમાં દોઢ લાખ ગામોમાં ક્ષયરોગના ફેલાવાનો ખતરો છે. એમાંથી ૧૧ હજાર ગામો મહારાષ્ટ્રના છે.
ગઇ ૨૪મી માર્ચથી શરૃ થયેલી આ વિશેષ ઝુંબેશ હેઠળ મહારાષ્ટ્રમાં છેલ્લાં ૩૫ દિવસ દરમ્યાન મહારાષ્ટ્રમાં ૬,૧૧૧ ક્ષયના નવા દરદીઓ નોંધાયા છે. ક્ષયરોગ નિમૂર્લન કાર્યક્રમ અંતર્ગત એ.આઇ. આધારિત વી.એમ. ટી.બી. ટૂલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનોલોજી દ્વારા રાજ્યના ૧૧ હજારથી વધુ ગામોની હાઇ-રિસ્ક તરીકે નોંધણી થઇ છે. આ ગામોમાં ૧૪ વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.
ગામોને હાઇ-રિસ્ક કઇ રીતે જાહેર કરવામાં આવે છે એવા પ્રશ્નના જવાબમાં આરોગ્યવિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સૌથી પહેલાં ગામની ભૌગોલિક સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. કેટલા વૃક્ષો છે, પ્રદૂષણ અને જળાશયોની સ્થિતિ કેવી છે તેનો તાગ મેળવવામાં આવે છે.
ત્યાર પછી આરોગ્યની સ્થિતિ વિશે જાણકારી મેળવવામાં આવે છે. કુપોષણના કેટલા કેસ છે, રસીકરણ કરવામાં આવ્યું છે કે નહીં તેમ જ હાઇ-બ્લડપ્રેશર, ડાયાબિટિસ અને કેન્સરના કેટલા પેશન્ટ છે તેની નોંધ કરવામાં આવે છે.
છેલ્લે લોકોની જીવનશૈલી બાબત માહિતી મેળવવામાં આવે છે. દારૃ અને તમાકુનું વ્યસન હોય એવાં કેટલાં જણ છે, ગીચ વસતી કેટલા ભાગમાં છે અને કામધંધાના ઠેકાણાની કેવી સ્થિતિ છે તેનો ડેટા મેળવવામાં આવે છે.
ત્રણ મહિનાની આ ઝુંબેશ દરમ્યાન ૧૧ હજાર ગામોના દોઢ કરોડ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ૨,૬૭૭ આરોગ્ય શિબિરો યોજીને સાડાપાંચ લાખથી વધુ લોકોની આરોગ્યની તપાસ થઇ ગઇ છે. સંશયીત ૧.૧૪ લાખ જણના થૂંકન ી તપાસ કરવામાં આવતા ટી.બી.ના ૬,૧૧૧ નવા દરદીઓ મળી આવ્યા હતા. આ તમામ દરદીઓની તાત્કાલીક સારવાર શરૃ કરી દેવામાં આવી છે.


