Mumbai

ભારત મજબૂત બની જશે તો શું થશે તેવા ડરને કારણે ટેરિફ લાદવામાં આવ્યાઃ ભાગવત

By GS TEAM
12 Sep 20252 mins read
ભારત મજબૂત બની જશે તો શું થશે તેવા ડરને કારણે ટેરિફ લાદવામાં આવ્યાઃ ભાગવત

હું ને બદલે આપણે બનીને વિચારીએ તો તમામ માનવ સમસ્યાઓ ઉકલી જાય

ભારત મહાન દેશ છે અને ભારતીયોએ પણ મહાન બનવાના પ્રયાસો કરવા જ જોઇએઃ મોહન ભાગવત

દુનિયાના માણસો અને દેશો પોતાની જાતને ઓળખશે નહીં ત્યાં સુધી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો આપણે સહાનુભૂતિ રાખીએ અને ભય ન પામીએ તો આપણો કોઇ દુશ્મન નથી. જો અન્યો એમ વિચારે કે ભારત મોટો દેશ બની પ્રગતિ કરશે તો આપણું શું થશે તો ટેરિફ આવી પડે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે અમેરિકાનું નામ લીધાં વિના જણાવ્યું હતું. નાગપુરમાં બ્રહ્માકુમારી વિશ્વ શાંતિ સરોવરના સાતમા સ્થાપના દિને પ્રવચન આપતાં ભાગવતે જણાવ્યું હતું કે જો માણસો તેમનો અભિગમ હુથી બદલી આપણે કરે તો માણસજાતની તમામ સમસ્યાઓ ઉકલી જાય.

મોહન ભાગવતે જણાવ્યું હતું કે ભારત મહાન દેશ છે અને ભારતીયોએ પણ મહાન બનવું જ જોઇએ. ભારત મોટો દેશ છે અને તે વધુ વિક્સી રહ્યો છે. ભારતીયોમાં એકમેક પ્રત્યે લાગણી છે અને તેઓ અછતમાં પણ ખુશ અને સંતોષી રહી શકે છે. અછત ન હોવી જોઇએ પણ જો તે હોય તો પણ સમય સાથે તે દૂર થઇ જશે. આજે દુનિયાને તેની સમસ્યાઓનો ઉકેલ જોઇએ છે. પણ વીઝનના અભાવે તે સમસ્યાઓ ઉકેલાતી નથી. માત્ર હું ને કેન્દ્રમાં રાખીએ તો કોઇ સમસ્યા ઉકેલાય નહીં. તેમ સંઘના વડા ભાગવતે જણાવ્યું હતું.

ભારતીયોમાં એકતાનો ભાવ હોવાથી તેઓ સંતોષી રહી શકે છે. જેના કારણે મુશ્કેલીઓ અને માઠાં દિવસોમાં પણ તેઓ સંતુષ્ઠ રહે છે. ભાગવતે ઉમેર્યું હતું કે આરએસએસ પણ બ્રહ્માકુમારીઓની જેમ આંતરિક આત્માને જગાડવાનું કામ કરે છે.

ભાગવતે જણાવ્યું હતું કે દુનિયામાં લોકો ડરે છે કે જો ભારત વધારે મજબૂત બની જશે તો આપણું શું થશે. એટલે જ ભારતીય માલસામાન પર ટેરિફ લાદવામાં આવે છે. પણ આપણે કશું કર્યું નથી. આપણે જ્યારે સાત સમંદર પાર હોઇએ અને તેમનો કોઇ સંપર્ક ન હોય તો પછી આપણે શા માટે ડરવું જોઇએ તેવો સવાલ તેમણે કર્યો હતો. યુએસના પ્રમુખ ટ્રમ્પે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદતું હોઇ દંડ તરીકે કે તેના પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. ભારતે આ ટેરિફને ગેરવાજબી, અન્યાયી અને તર્કહીન ગણાવ્યા હતા.