મુંબઈની હાલાકી માટે જવાબદાર ચાલક ઝડપાયો
પાઈપ નીચે ખાડો કરી ભંગાણ સર્જવાના ઓજારો મળ્યાં ઃ ઓઈલ કંપનીની થેફ્ટ ડિટેક્શન સિસ્ટમ એક્ટિવ થતાં પત્તો લાગ્યો
મુંબઇ - મુંબઈમાં સર્જાયેલાં ત્રણ દિવસનાં સીએનજી સંકટ માટે એક ટેન્કર ડ્રાઈવર દ્વારા પેટ્રોલ તથા ડીઝલ ચોરીનો પ્રયાસ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. વિનોદ પંડિત નામના ડ્રાઈવરે ટ્રોમ્બેના રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર (આરસીએફ) કમ્પાઉન્ડમાં બીપીસીએલની પાઈપલાઈન તોડવા પ્રયાસ કર્યો હતો. બીપીસીએલની પાઈપલાઈન સાથે જોડાયેલી ગેરકાયદે ઘૂસણખોરી સામે એલર્ટ આપતી સિસ્ટમ બે વખત એક્ટિવ થઈ હતી તેના કારણે આ ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે, વિનોદ પંડિતે પેટ્રોલ, ડીઝલને બદલે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ગેઇલ)ની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પાડતાં તેનું પરિણામ સમગ્ર મુંબઈના લાખો લોકો તથા કેબ અને ઓટો ચાલકો સહિત કમર્શિયલ અને ઔદ્યોગિક વપરાશકારોએ ભોગવવું પડયું હતું. આ સીએનજી સંકટના કારણે લાખો લોકો લૂંટાયા હતા.
આ બાબતે પ્રાપ્ત વિગતાનુસાર પંડિતે ૧૩ નવેમ્બરના રોજ રાત્રે ૯.૩૦ વાગ્યે પાઇપલાઇન તોડવાનો પહેલો પ્રયાસ કર્યો હતો. વિવિધ સ્તરીય ધાતુના માળખાને તોડવાનો પ્રયાસ કરતી વખતે ઘૂસણખોરી પરખ સિસ્ટમ એક્ટિવ થઇ ગઇ હતી. આ વાતની જાણ થતા કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા પરંતુ કોઇ દેખીતુ નુકસાન જોવા ન મળતા સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ ચાલ્યા ગયા હતા.
બીજા દિવસે ફરી એલાર્મ વાગ્યો હતો અને આ વખતે જ્યારે બીપીસીએલના કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યારે તેમને ચોરીનો પ્રયાસ થયો હોવાના સંકેતો મળ્યા હતા. ઘટનાસ્થળે પાઇપ નીચે એક ખાડો ખોદવામાં આવ્યો હતો અને નજીકમાં લોખંડના કપલિંગ, બોલ્ટ, કોદાળી, હથોડી, કટર અને હેક્સો બ્લેડ સહિત અનેક સાધનો વિખરાયેલા મળી આવ્યા હતા.
આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ બીપીસીએલએ આરસીએફ પોલીસ મથકમાં એક અજાણ્યા ગુનેગાર વિરુધ્ધ એફઆઇઆર નોંધાવી હતી. પોલીસે નોંધ્યું હતું કે આ વિસ્તારમાં કોઇ સીસીટીવી કેમેરા નહોતા, જેના કારણે શરૃઆતમાં તપાસની પ્રગતિમાં અવરોધ આવ્યો હતો. જોકે અધિકારીઓએ અહીંના એક વિસ્તારમાંથી સાક્ષીઓને શોધી કાઢ્યા હતા. સાક્ષીઓની જુબાની અને ટેકનિકલ ઓળખવામાં અને પકડી પાડવામાં સફળતા મળી હતી.
શંકાસ્પદ આરોપીએ પેટ્રોલ કે ડીઝલની ચોરીનો પ્રયાસ કર્યો હતો પણ ગેઇલની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ પડયું હતું અને સીએનજીનો પુરવઠાને મોટી અસર પહોંચતા તેની અસર મુંબઇમાં મોટા પાયે થઇ હતી. આ ઘટનાને લીધે મુંબઇની સાથે જ નવી મુંબઇ અને થાણેનો સીએનજીનો પુરવઠો ભાંગી પડયો હતો સીએનજીનો પુરવઠો પડી ભાંગતા અને પંપો પર સીએનજીનો યોગ્ય પુરવઠો થઇ ન શકતા સીએનજી પંપો પર ગેલ ભરાવવા રિક્ષા- ટેક્સીઓની લાંબી કતાર લાગી ગઇ હતી. સીએનજીના અભાવે હજારો રિક્ષા-ટેક્સી રસ્તા પરથી ગુમ થઇ જતા નોકરિયાત વર્ગ અને સ્કૂલમાં જવા માગતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
મહાનગર ગેસ લિમિટેડે રવિવારે જણાવ્યું હતું કે આરસીએફ-કમ્પાઉન્ડની અંદર થર્ડ પાર્ટી નુકસાનથી ગેઇલની મુખ્ય ગેસ સપ્લાય કરતી પાઇપલાઇન ફાટી ગઇ હતી. જેના લીધે વડાલા ખાતે એનજીએલના સિટી ગેસ સ્ટેશન (સીજીએસ)થી થતો ગેસ પુરવઠો કરતી સિસ્ટમ પડી ભાંગી હતી. પરિણામે મુંબઇ, થાણે અને નવી મુંબઇમાં સીએનજી વિતરીત કરતું નેટવર્ક ખોરવાઇ ગયું હતું.
આ દુર્ઘટનાને કારણે મુંબઇ એમએમઆર રિજનમાં પાંચ લાખથી વધુ ઓટો-રિક્ષા ચાલક અને ૬૦ હજાર ટેક્સી ડ્રાઇવરો સહિત હજારો ખાનગી સીએનજી વપરાશકર્તાઓને અસર પામ્યા હતા.
મંગળવારે સાંજે એમજીએલએ જાહેરાત કરી હતી કે ક્ષતિગ્રસ્ત પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ થઇ ગયું છે અને એમએમઆર વિસ્તારના સીએનજી ગેસ સ્ટેશનોનો ગેસ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે. ત્યાર બાદ આજે બુધવારે ચોથા દિવસે સવારથી જ પર્યાપ્ત સંખ્યામાં રસ્તા પર રિક્ષા-ટેક્સી અને ખાનગી કેબ દોડતી થવા માંડી હતી. પરિણામે મુંબઇગરાનું જીવન ફરીથી રાબેતા મુજબ થયું હતું.


