ગાઝા વિશે બોલવું એ દેશભક્તિ નથી, આપણા દેશના મુદ્દા ઉઠાવોઃ હાઈકોર્ટ

હજારો માઈલ દૂરના મુદ્દે શા માટે વિરોધ કરવો છે
સીપીઆઈએમએ ધરણા માટે પરવાનગીના પોલીસે કરેલા ઈન્કાર સામેની અરજી કોર્ટે ફગાવી
મુંબઈ - પહેલાં પોતાના દેશ પ્રત્યેના નાગરિકો પ્રત્યે દેશભક્તિ દર્શાવો એમ અરજદારને જણાવીને ઈઝરાયલ દ્વારા ગાઝામાં નરસંહારનો વિરોધ ઈચ્છતી સીપીઆઈ (એમ)ની અરજીને બોમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. ભારત પાસે અનેક મુદ્દાઓ હાથ ધરવા માટે છે અને અરજદાર પક્ષે ભારતીય નાગરિકોને અસર ન કરતી બાબતોને ઉખેડવાનું ટાળવું જોઈએ.
આપણા દેશમાં જ ઘણી સમસ્યાઓ છે.. તમે ટૂંકી દ્રષ્ટી ધરાવો છો અને ગાઝા અને પેલેસ્ટાઈનને જુઓ છો પોતાના દેશ માટે કેમ કઈ કરતા નથી. દેશભક્ત બનો ,ગાઝા અને પેલેસ્ટાઈન વિશે બોલવું એ દેશભક્તિ નથી. તમે જેનો બોધપાઠ આપો છો એનો અમલ કરો, એમ કોર્ટે ઠપકો આપતાં જણાવ્યું હતું.
અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ ભારત માટે અનેક સત્કાર્યો કરે છે અને આરોગ્ય અને શૈક્ષણિક શિબિરો યોજે છે.
કોર્ટે એ જાણવા માગ્યું હતું કે અરજદારનો પક્ષ ભારતથી હજારો માઈલ દૂર ગાઝાના નરસંહારનો વિરોધ કરવા કેમ માગે છે ?
અન્ય સવાલના જવાબમાં અરજદાર વતી જણાવાયું હતું કે અમે માત્ર આઝાદ મેદાનમાં નિયુક્તિ વિસ્તારમાં વિરોધ કરવા માગીએ છીએ. જે અમારો અધિકાર છે. જોકે કોર્ટે ટાંક્યું હતું કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ વાણી સ્વતંત્રતાનો દુરુપયોગ થઈ રહ્યાનું જણાવ્યું હતું.
આપણા નાગરિકોને સંબંધીત સેંકડો કેસો લિસ્ટેડ છે ત્યારે તમારી આવી બાબતો સાંભળવા અમને સમય હોય એવુંલાગે છે?
આ બાબત દેશના વિદેશ મંત્રાલય પર છોડી દેવામાં આવે ખાસ કરીને અરજદારનું વલણ ભારત સરકાર કરતાં ભિન્ન છે. પેલેસ્ટાઈનની કે ઈઝરાયેલની તરફેણ કરવી એ ભારત સરકારનું કામ છે.
મુંબઈ પોલીસે ૧૭ જૂન ૨૦૨૫ના રોજ આઝાદ મેદાનમાં ધરણા કરવાની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ કરી હતી કે અરજદારે આવી કોઈ અરજી પોલીસ સામે કરી નથી પણ એલ ઈન્ડિયા પીસ એન્ડ સોલિડારિયી ફાઉન્ડેશનની અરજી ફગાવવા સામે પડકાર ફેંક્યો છે એ કારણસર કોર્ટે અરજી ફગાવી દીધી હતી.









