નાસિકમાં નિર્મિત સર્વપ્રથમ ફાઇટર એરક્રાફ્ટ 'તેજસ'નું ટેક ઓફ

ભારતનું સંરક્ષણ ઉત્પાદન ૧.૫૦ લાખ કરોડને પાર
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પ્લેનને ફ્લેગ-ઓફ કરવાની સાથે ફાઇટર અને ટર્બો ટ્રેનરની ઉત્પાદન લાઇનનું ઉદ્ઘાટન કર્યું
મુંબઇ - સંરક્ષણ ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતાના એક પછી એક સીમાચિહ્ન સર કરી રહ્યું છે તેની સાક્ષી રૃપે નાસિકમાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમિટેડ દ્વારા નિર્મિત સર્વપ્રથમ લાઇટ કોમ્બાટ એરક્રાફ્ટ તેજસ (એમકે ૧-એ)એ આજે ઉડ્ડયન કર્યું હતું.
અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ અને પ્રચંડ મારક ક્ષમતા ધરાવતા તેજસ (એમકે ૧-એ) ફાઇટર પ્લેનને આજે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ફ્લેગઓફ કર્યા બાદ સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનતું જાય છે તેનું આ ઝળહળતું ઉદાહરણ છે.
સંરક્ષણ પ્રધાને નાસિકના ઓઝર ખાતે આજના પ્રસંગે તેજસ (એમકે-૧એ) લાઇટ કોમ્બાટ એરક્રાફ્ટની ત્રીજી પ્રોડક્શન લાઇનનું તેમજ તાલીમી વિમાન હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર-૪૦ (એચટીટી-૪૦)ની બીજી પ્રોડક્શન લાઇનની સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું.
સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે એક જમાનામાં ભારત ૬૫થી ૭૦ ટકા શસ્ત્ર- સરંજામ અને મિલિટરી હાર્ડવેરની આયાત કરતો હતો. આજે આપણે ૬૫ ટકા શસ્ત્ર- સરંજામ અને સંરક્ષણ ક્ષેત્રને લગતી સામગ્રીનું સ્વદેશમાં ઉત્પાદન કરીએ છીએ. આમ હવે આયાત પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બની રહ્યાં છીએ. આજે ભારત ફાઇટર એરક્રાફ્ટ, સબ મરીન, મિસાઇલ અને ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમનું ઉત્પાદન કરે છે. ઓપરેશન સિંદૂર વખતે ભારતની સ્વદેશી એરડિફેન્સ સિસ્ટમે કમાલ દેખાડી દીધી હતી.
સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતે ભરેલી હરણફાળની ઝાંખી કરાવતા સિંહે જણાવ્યું હતું કે ૨૦૧૪-૧૫માં ૪૬,૪૨૯ કરોડનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન થયું હતું. ૨૦૨૪-૨૫માં સંરક્ષણ ક્ષેત્રનું વાર્ષિક ઉત્પાદન ૧.૫૦ લાખ કરોડ પર પહોંચ્યું છે. સરકારે સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદનને ૨૦૨૯ સુધીમાં ૩ લાખ કરોડ પર પહોંચાડવાનું અને નિકાસ ૫૦ હજાર કરોડ પર પહોંચાડવાનું લક્ષ રાખ્યું છે. મોડર્ન વોરફેરના પરીપેક્ષ્ય ભારત પણ દુનિયા સાથે કદમ મિલાવી આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર વોરફેર, હોન- સિસ્ટમ, તેમજ નેક્સ જનરેશન એરક્રાફ્ટ અને મિસાઇલ તૈયાર કરવાની દિશામાં આગેકદમ વધી રહ્યુું છે.
ઓપરેશન સિંદૂરમાં નાસિકની ટીમની મહત્વની ભૂમિકા
મુંબઇ, તા.૧૭
ઓપરેશન સિંદૂર વખતે નાસિકની ટીમે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ટીમે સુખોઇ એસ-યુ ૩૦ ફાઇઠર પ્લેનમાં બ્રહ્મોસ મિસાઇલ ગોઠવ્યા હતા અને આ મિસાઇલની મદદથી આતંકવાદીઓના અડ્ડાઓનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું.
હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમિટેડના નાસિક ડિવિઝનની સ્થાપના ૧૯૬૪માં મિગ-૨૧ પ્લેનના નિર્માણ માટે કરવામાં આવી હતી. ઉત્તરોત્તર એચ.એ.એલ.ની કામગીરીનો વ્યાપ વધતો ગયો હતો. અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ ફાઇટર એરક્રાફ્ટનું નિર્માણ થયું છે. અને ૧૯૦૦થી વધુ મિલિટરી એરક્રાફ્ટનું સમુળગુ સમારકામ નાસિકમાં કરવામાં આવ્યું છે. હવે અત્યાધુનિક તેજસ (એમ.કે ૧-એ) એરક્રાફ્ટ અને હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર એરક્રાફ્ટનું ઉત્પાદન જોરશોરથી શરૃ કરવામાં આવ્યું છે.