સપ્તાહમાં બધા ખાડા બૂરી કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરોઃ હાઈકોર્ટ

રસ્તાના ખાડા જેમના તેમ હોવાથી અવમાન અરજીની સુનાવણી
કોન્ટ્રાક્ટરો અને સાઠગાંઠ ધરાવતા અધિકારીઓ પાસેથી દંડ વસૂલવા બીએમસીને સૂચનાઃ ખાડાથી અકસ્માતોની ગંભીર નોંધ લીધી
મહાપાલિકાનો દાવોઃ ૧૫૫૨૬ ખાડાની ફરિયાદો આવી હતી તેમાંથી ફક્ત ૬૮૮ જ બૂરવાના બાકી છે
મુંબઈ - ખાડાને લીધે થતા અકસ્માતોની ગંભીર નોધ લઈને મુંંબઈ અને આસપાસના વસ્તારના ખાડા એક સપ્તાહમાં બૂરી દેવો અને કોન્ટ્રેક્ટર પર જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવાનો આદેશ બોમ્બે હાઈ કોટે બૃહન્મુંબઈ મહાપાલિકાને આપ્યો છે.
ખાડાને લીધે મૃત્યુ પામનારાને અથવા જખમી અકસ્માતગ્રસ્તોને નુકસાન ભરપાઈ આપવાની નીતિ તૈયાર કરવાનું શક્ય છે કે કેમ એવો સવાલ કરીને એ બાબતે ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ કોર્ટે સરકારને આપ્યો છે.
ખરાબ રસ્તા માટે કોન્ટ્રેક્ટર સહિત વિવિધ યંત્રણાના સંબંધીત અધિકારીઓના પગારમાંથી દંડની રકમ વસૂલ કરવાનો નિર્દેશ કોર્ટે આપ્યો છે. પાલિકાએ તેમની હદમાં આવતા રસ્તાની દેખભાળ થતઈ હોવાથી વરસાદને લીધે પડતા ખાડાની સંખ્યા ઘટી હોવાનું જણાવ્યું હતું અને તેને લીધે એક પણ મૃત્યુ થયા નહોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ વરસાદમાં મુંબઈ અને ગ્રેટર મુંબઈમાં ખાડાને લીધે છ મૃત્યુ થયા છે જેમાં ભિવંડી-નિજામપુરમાં ત્રણ અને મુંબઈ, થાણે અને કલ્યાણમાં દરેકમાં એક મૃત્યુ થયાનો દાવો અરજદારે કર્યો હતો.
રાજ્યમાં કુલ ૪૯ વિજિલન્સ સ્ક્વોડ છે અને આંકડાવારી અનુસાર ખાડાને લીધે ૧૨ના મોત અને ૧૧ જખમી થયા હોવાની માહિતી સરકારી વકીલે આપી હતી.
આ મૃત્યુ ખાડાને લીદે નહીં પણ ટ્રક ચાલકોની બેદરકારીને લીદે થયાનો દાવો પાલિકાએ કર્યો હતો. કોર્ટે આવા દાવાને લઈને સખત નારાજગી વ્યક્ત કરી હતી અને એક બીજા પર જવાબદારી નાખનારા પ્રશાસનનો ઉધડો લીધો હતો.
કોન્ટ્રેક્ટર અને તેમની સાથે સાઠગાંઠ કરનારા અધિકારીઓના પરિણામનો સામનો કરવો પડશે, એમ જણાવીને સંબંધીતોને જવાબદાર ધરીને તેમની પાસેથી ભરપાઈની રકમ વસૂલવાની નીતિ તૈયાર કરવાનું શક્ય છે કે કેમ એના પર ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ કોર્ટે આપ્યો છે.
પાલિકાની હદમાં માત્ર ૬૮૮ ખાડા બૂરવાના બાકી છે, એવો દાવો પાલિકાએ કર્યો છે. આ ચોમાસામાં ૧૫,૫૨૬ ખાડાની ફરિયાદ આવી હતી જેમાં મોટાભાગે બૂરી દેવાયા છે.








