Get The App

સગીર દાતા પાસેથી લીવર ડોનેશનને મંજૂરી વિશે ઝડપી નિર્ણય કરો : હાઈકોર્ટ

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
સગીર દાતા પાસેથી લીવર ડોનેશનને મંજૂરી વિશે ઝડપી નિર્ણય કરો : હાઈકોર્ટ 1 - image

લીવર ફેલ્યોરની જીવલેણ સ્થિતિથી પીડાતી વ્યક્તિની અરજી

પાલિકાની કેઈએમ હોસ્પિટલની ઓથોરાઇઝેશન કમિટીએ શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવાનો રહેશેે

મુંબઈ -  બોમ્બે હાઈકોર્ટે એક પાલિકા સંચાલિત હોસ્પિટલને લીવર ફેલ્યોરની જીવલેણ સ્થિતિથી પીડાતી એક વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી અરજી પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. અરજીમાં એક બિન-સંબંધી સગીર છોકરાને તેનું લીવર દાન કરવાની પરવાનગી આપવાની દાદ માગી છે.

ગુરુવારે ન્યાયાધીશ મંજુષા દેશપાંડેની વેકેશન બેન્ચે જણાવ્યું હતું કે કેઈએમહોસ્પિટલની ઓથોરાઇઝેશન કમિટીએ શક્ય તેટલી વહેલી તકે વ્યક્તિની મંજૂરી માટેની અરજી પર નિર્ણય લેવાનો રહેશેે.

તબીબી રીતે એક્યુટ-ઓન-ક્રોનિક લિવર ફેલ્યોર (એસીએલએફ) હોવાનું નિદાન થયેલા આ વ્યક્તિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને એવી આશંકા વ્યક્ત કરી હતી કે દાતા સગીર હોવાથી અને કાયદા હેઠળ સંબંધીની વ્યાખ્યામાં ન આવતો હોવાથી તેને મંજૂરી નહીં મળે.

તેમની દલીલ મુજબ, દાતા ૧૭ વર્ષનો છોકરો છે અને તે માનવ અંગો અને પેશીઓના પ્રત્યારોપણ અધિનિયમની કલમ  હેઠળ 'નજીકના સંબંધી' ની વ્યાખ્યામાં આવતો નથી. આ જોગવાઈ હેઠળ, દાતા જીવનસાથી, પુત્ર, પુત્રી, માતાપિતા, ભાઈ-બહેન, દાદા-દાદી અથવા પૌત્ર-પૌત્રી હોવા જોઈએ.

પોતાની અરજીમાં, વ્યક્તિએ હાઈકોર્ટને મુંબઈના આરોગ્ય સેવા નિયામક અને અન્ય સંબંધિત અધિકારીઓને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે મંજૂરી આપવાનો નિર્દેશ આપવાની માંગ કરી છે.

સરકારી વકીલ પૂણમા કંથારિયાએ કોર્ટને માહિતી આપી હતી કે મંજૂરી માટેની અરજી પર વિચાર કરવા માટે માનવ અંગો અને પેશીઓના પ્રત્યારોપણ અધિનિયમ હેઠળ કેઈએમ હોસ્પિટલની એક અધિકૃતતા સમિતિની રચના કરવામાં આવી છે.

બેન્ચે સમિતિને અરજદારની અરજી પર શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવાનો પ્રયાસ કરવા અને ૩ નવેમ્બરના રોજ કોર્ટમાં રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે.