તહેવારો દરમિયાન સ્વાઇન ફ્લૂનું જોખમ વધી ગયું

મુંબઇ- પુણેમાં દરદીઓની સંખ્યા વધી
મહારાષ્ટ્રમાં બે મહિનામાં આ ચેપીરોગના દરદીની સંખ્યામાં વધારો
મુંબઇ - તહેવારો દરમિયાન લોકો એક શહેરથી બીજા શહેરમાં જઇ રહ્યા છે. તેના પગલે ચેપી રોગો પણ વધી રહ્યા છે. ચેલ્લા બે મહિનામાં મહારાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂના દરદીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. જેના લીધે આરોગ્ય વિભાગમાં ચિંતા વધી છે.
રાજ્યમાં ૧ જાન્યુઆરીથી ૩૧મે દરમિયાન મળી આવેલા કુલ કેસોની સરખામણીમાં ૧ જૂનથી ૭ ઓગસ્ટ દરમિયાન સ્વાઇન ફ્લુના કેસ મોટી સંખ્યામાં નોંધાયા હતા એવી સાર્વજનિક આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના નેશનલ કીટક અને પાણીજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમના અહેવાલ મુજબ ૧ જાન્યુઆરીથી ૩૧મે ૨૦૨૫ દરમિયાન રાજ્યમાં કુલ ૧૮૩ સ્વાઇન ફ્લુના દરદીઓ મળી આવ્યા હતા. તેમાંથી બે જણના મોત થયા હતા. ત્યારબાદ ૧ જૂનથી ૭ ઓગસ્ટ દરમિયાન આ રોગના ૪૪૦ દર્દીઓ મળી આવ્યા હતા.
નિષ્ણાતોએ કરેલી આગાહીમાં આગામી દિવસોમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થવાની સંભાવના છે. હકીકતમાં ચોમાસાને કારણે વાયરલ બિમારીમાં વધારો નોંધાયો છે. જો સમયસર સારવાર આપવામાં આવે તો દર્દીઓ સ્વસ્થ થઇ શકે છે.








