Get The App

ફક્ત સીબીઆઈના કલોઝર રિપોર્ટથી સુશાંત કેસબંધ નહીં થાય

Updated: Mar 23rd, 2025

GS TEAM

Google News
Google News
ફક્ત સીબીઆઈના કલોઝર રિપોર્ટથી સુશાંત કેસબંધ નહીં થાય 1 - image

સુશાંત કેસ પર હજુ કાયમી પૂર્ણવિરામ નહીં

મેજિસ્ટ્રે આ રિપોર્ટ સ્વીકારી કે નકારી પણ શકે : મેજિસ્ટ્રેટ સ્વીકારે તો પણ ફરિયાદ ઉચ્ચ અદાલતમાં અપીલ કરી ફરી રીઓપન કરાવી શકે

મુંબઈ: સીબીઆઈએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધિત બે કેસોમાં કલોઝર રિપોર્ટ દાખલ  કર્યો છે.   મુંબઈ અને પટણાની કોર્ટમાં આ રિપોર્ટ રજૂ કરવામાં  આવ્યો છે. સુશાંતે આપઘાત જ કર્યો હતો અને તેની હત્યા થઈ નથી કે આ કેસમાં રિયા ચક્રવર્તીની કોઈ રીતે સંડોવણી નથી તેવો રિપોર્ટ અપાયો હોવાનું કહેવાય છે. જોકે,  જાણકારોના મતે સીબીઆઈ આ ક્લોઝર રિપોર્ટ આપે તેટલા માત્રથી સુશાંત કેસ બંધ થઈ જતો નથી. મેજિસ્ટ્રેટ કોર્ટ આ રિપોર્ટ ફગાવી સીબીઆઈને તપાસ ચાલુ રાખવા જણાવી શકે છે. કોર્ટ આ રિપોર્ટ સ્વીકારે તો તેની સામે ઉપલી કોર્ટમાં પણ અપીલ થઈ શકે છે. 

૩૪ વર્ષીય  એક્ટર સુશાંત સિંંહ રાજપુત ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ તેના બાંદરા ખાતેના તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મુંબઈ પોલીસની પ્રારંભિક તપસામાં  સુશાંતે આત્મહત્યા કરી હોવાનું તારણ અપાયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળેફાંસો ખાધાના કારણે ગુંગળામણથી સુશાંતના મોત નીપજ્યાની પૃષ્ટિ થઈ હતી.

જો કે, આ કેસમાં મિડીયામાં  ભારે ચર્ચાઓ અને તેની હત્યાની જાહેર અટકળો શરુ થવાના કારણે વિવિધ સુશાંતની મોતમાં કોઈ ષડયંત્ર કે કોઈ કાવતરુ હોવાનો વિવાદો ઉભા થયા હતા.  આ કેસની તપાસ મુંબઈ પોલીસ પાસેથી આંચકીને સીબીઆઈને સોંપાઈ હતી.  જેમાં પાંચ વર્ષ બાદ પણ તપાસ એજન્સીને હત્યા થઈ છે કે કેમ તે અંગે કોઈ પૂરતા પુરાવા ન મળતા સીબીઆઈએ બંને કેસોમાં કલોઝર રિપોર્ટ દાખલ કરી છે. 

જો કે, કલોઝર રિપોર્ટ દાખલ કરવાથી આ કેસ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે તેનો અર્થ એવોે નથી.સીબીઆઈ દ્વારા સબમિટ કરાયેલ કલોઝર રિપોર્ટ સ્વીકારવો કે નકરાવાનો અંતિમ અધિકાર મેજિસ્ટ્રેટ કોર્ટ પાસે છે. વધુમાં ફરિયાદી પાસે પણ પોલીસના તપાસનો તારણો સાથે અસંમત થવાનો કાનૂની અધિકાર છે.  જો કે, પોલીસે કાયદા હેઠળ તપાસ પૂર્ણ થયા પછી  ગુનાની નોંધ લેવા માટે  સત્તા ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ રિપોર્ટ દાખલ કરવો આવશ્યક છે.

તપાસ પૂર્ણ થયા પછી મેજિસ્ટ્રેટને આ કલોઝર રિપોર્ટ સુપરત કરવામાં આવે છે.   જે કિસ્સાઓમાં  કેસ પુરવાર કરે તેવા  કોઈ પુરાવા મળતા નથી ત્યાં આ કલોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવે છે. એકવાર કલોઝર રિપોર્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે પછી મેજિસ્ટ્રેટ રિપોર્ટની તપાસ કરે છે અને જો તેમને ખાતરી થાય કે કોઈ પુરાવા નથી. તો તેઓ રિપોર્ટને સ્વીકારી શકે છે અને કેસ બંધ કરી શકે છે. વધુમાં જો મેજિસ્ટ્રેટને લાગે કે વધુ પુરાવાની જરુર છે તો તે વધુ તપાસનો નિર્દેશ આપી શકે છે. કલોઝર રિપોર્ટ બાદ જો કેસ બંધ થઈ જાય તો ફરિયાદી આ નિર્ણયને હાઈ કોર્ટમાં પણ પડકારી શકે છે.

ફરિયાદી પાસે ક્લોઝર રિપોર્ટને પડકારતી વિરોધ અરજી દાખલ કરવાનો વિકલ્પ પણ રહેલ છે. ત્યારબાદ હાઈકોર્ટ  કાં તો આ અરજીને ફગાવી શકે છે અને ક્લોઝર રિપોર્ટને સ્વીકારી શકે છે  અથવા વિરોધ અરજીને મંજૂરી આપી શકે છે અને આ મામલે વધુ તપાસનો આદેશ આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંત રાજપૂતના પિતા કેકે સિંહ દ્વારા પટણામાં દાખલ કરાયેલી ફરિયાદ  બાદ ઓગસ્ટ ૨૦૨૦માં સીબીઆઈએ તપાસ સંભાળી હતી. જેમાં સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તી અને અન્ય લોકો પર આત્મહત્યા માટે ઉશ્કેરણી, નાણાંકીય છેતરપિંડી અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. આ ફરિયાદના જવાબમાં રિયા ચક્રવર્તીએ મુંબઈમાં વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાજપૂતની બહેનોએ સુશાંતનું બનાવટી તબીબી પ્રિસ્ક્રિપશન મેળવ્યું હતું.