Get The App

મુંબઇ પર સૂર્યનારાયણ ભારે ખફા ખફાઃ હીટ વેવ - સિવિયર હીટ વેવમાં બફાયું

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઇ પર સૂર્યનારાયણ ભારે ખફા ખફાઃ હીટ વેવ - સિવિયર હીટ વેવમાં બફાયું 1 - image

મુંબઇ સહિત મહારાષ્ટ્રનાં પાંચ શહેરમાં ૪૦.૦ ડિગ્રી 

મુંબઈમાં પાંચ વર્ષ બાદ ૪૦ ડિગ્રી  તાપમાન નોંધાયું ઃ    સમગ્ર મહામુંબઈ રિજિયનમાં આકરી ગરમીની આગાહી સાથે  યલો એલર્ટ જાહેર  

મુંબઇ -    મુંબઇના ગગનમાંથી  છેલ્લા બે દિવસથી  અગન જ્વાળા વરસી રહી હોય તેવો અત્યંત ધગધગતો માહોલ સર્જાયો છે. માર્ચના પહેલા જ સપ્તાહમાં  બપોરે  અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે મુંબઇગરાં એમ કહો કે સ્તબ્ધ થઇ ગયાં છે. મુંબઇગરાંનાં મનમાં ચિંતાનું લખલખું ફરી વળ્યું  છે. હવામાન વિભાગે  એવી  માહિતી આપી હતી કે આજે  મુંબઇ(સાંતાક્રૂઝ)માં ગરમીનો પારો ૪૦.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઉકળતો નોંધાયો હતો. મુંબઇમાં માર્ચના શરૃઆતના તબક્કમાં જ આટલી ધગધગતી ગરમીનું મોજું ફેલાય તે  મુંબઇ મહાનગર અને મુંબઇગરાં બંને માટે  ઘેરી ચિંતાજનક બાબત છે. 

   જોકે,  ૧૯૫૬ની ૨૮, માર્ચે  ગરમીનો પારો ૪૧.૭ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઉકળતી ભઠ્ઠી જેટલો નોંધાયો હતો, જે અત્યારસુધીનો રેકોર્ડ  છે.    

  આજે કોલાબામાં  મહત્તમ તાપમાન ૩૫.૪ અને લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૪૦.૦ અને લઘુત્તમ તાપમાન ૨૧.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે મહારાષ્ટ્રમાં મુંબઇ સહિત નજીકના દહાણુમાં મહત્તમ તાપમાન ૪૦.૦, જળગાંવ -૪૦.૩, અકોલા -૪૦.૭, બ્રહ્મપુરી-૪૦.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમરાવતી-૩૯.૮,વર્ધા-૩૯.૫, વાશીમ-૩૯.૪,  થાણે -૩૯.૨, માલેગાંવ-૩૯.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હોવાના સમાચાર મળે છે.  

ભાગ્યે જ બને તેવી ઘટના ગઇકાલે  ૯, માર્ચે મુંબઇના પશ્ચિમના પરા રામ મંદિરમાં બની હતી. ઓટોમેટિક વેધર સ્ટેશનની  માહિતી મુજબ  ગઇકાલે રામ મંદિરમાં ગરમીનો પારો ૪૨.૫ ડિગ્રી સેલ્સિયસ જેટલો અત્યંત હોટ હોટ નોંધાયો  હતો. આ દ્રષ્ટિએ રામ મંદિર ગઇકાલે આખા ભારતમાં સૌથી ગરમ સ્થળ  રહ્યું હતું. મુંબઇ અરબી સમુદ્રના કિનારા પર વસેલું મહાનગર હોવાથી અહીંનું હવામાન સમઘાત(બહુ ગરમીનહીં, બહુ ઠંડી નહીં) રહે છે. આમ છતાં  ૯, માર્ચે મુંબઇ આખા ભારતનું હોટેસ્ટ  બની ગયું હતું.   

 હવામાન વિભાગે આજે  ૨૦૨૬ની ૧૦,  માર્ચે     મુંબઇ,થાણે,પાલઘર માટે હીટ વેવ -- સિવિયર હીટવેવની ભારે ચિંતાજનક કહી શકાય તેવી   ઓરેન્જ  એલર્ટ   જારી કરી છે.  આવતા ૨૪ કલાક (૧૧, માર્ચ) માટે પણ મુંબઇ,થાણે, પાલઘર, રાયગઢ માટે ગરમી અને ઉકળાટની યલો એલર્ટ જારી કરી છે. આમ  છેલ્લા બે દિવસથી   ઉત્તર કોંકણ(મુંબઇ,થાણે, પાલઘર, રાયગઢ) ની આખી સમુદ્ર કિનારાની પટ્ટી  જાણે કે ઉકળતી ભઠ્ઠી બની ગયું હોય તેવો ચિંતાજનક માહોલ સર્જાયો છે. 

હવામાન વિભાગે મહારાષ્ટ્રના વિદર્ભના અકોલા અને  બ્રહ્મપુરી  માટે પણ આજે ૧૦, માર્ચ    હીટવેવની ચેતવણી(યલો એલર્ટ) જારી કરી છે. 

    હવામાન વિભાગે ગઇકાલે ૯, માર્ચે  મુંબઇ સહિત થાણે, પાલઘરમાં હીટવેવની ચેતવણી જારી કરી હતી. આમ ૨૦૨૬ના માર્ચના પહલા જ અઠવાડિયામાં મુંબઇગરાંએ બે બે હીટ વેવનો ઉકળતો અનુભવ કરવો પડયો છે. 

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર) સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને બહુ મહત્વની માહિતી આપતાં કહ્યું હતું કે  મુંબઇમાં સરેરાશ મહત્તમ તાપમાન કરતાં  મહત્તમ  તાપમાન ૪.૫થી ૬.૪ ડિગ્રી વધુ નોંધાય ત્યારે હીટવેવની ( યલો એલર્ટ)  ચેતવણી જારી કરવામાં આવે છે. હવામાનશાસ્ત્રની ભાષામાં આ પરિસ્થિતિને , તફાવતને  ડિપાર્ચર કહેવાય છે. 

ગઇકાલે ૯, માર્ચે   મુંબઇના સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૮.૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોટ હોટ નોંધાયંટ હતું, જે સરેરાશ તાપમાન ૩૪.૪ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ રહ્યું હતું.  

 આજે  ૧૦, માર્ચે  સાંતાક્રૂઝમાં ગરમીનો પારો ૪૦.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો અત્યંત ધગધગતો નોંધાયો છે, જે સરેરાશ તાપમાન કરતાં ૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. એટલે આજે મુંબઇમાં હીટવેવ - સિવિયર હીટ વેવની ઓરેન્જ એલર્ટ જારી કરવામાં  આવી છે.