સર્વેના તારણોને આધારે સ્ટેશન પર અનેક ફેરફારો થશે
પુણે અને નાસિક સ્ટેશનો પર પણ આવો સર્વે કરાશેઃ દરેક સ્ટેશન માટે ખાસ ક્રાઉડ મેનેજમેન્ટ પ્લાન રચાશે
મુંબઇ - મુંબઇ સબર્બન ટ્રેનોમાં દિવસો દિવસ વધતી જતી ભીડને ધ્યાનમાં લઇ પેસેન્જરોની સલામતી અને સુવિધા માટે સ્ટેશનોનો સર્વે કરીને પછી ભીડ નિયમન માટેની યોજના ઘડવામાં આવશે.
ધ રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ (આરઆઇટીઇએસ) તરફથી મુંબઇના પરાંના સ્ટેશનો અને બહારગામની ટ્રેનોના ટર્મિનસો પર પ્રવાસીઓને રોજિંદી અવરજવર અને ધસારાને સમયે થતી ભારે ભીડની બાબતે વિગતવાર સર્વે કરવામાં આવશે. મહારાષ્ટ્રના અન્ય મહત્વના શહેરોના સ્ટેશનો પર પણ આ રીતે સર્વે હાથ ધરવામાં આવશે. આમાં પહેલા તબક્કામાં નાસિક અને પુણે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવશે.
સેન્ટ્રલ રેલવેના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની સંખ્યામાં થઇ રહેલા એકધારા વધારાને કારણે વ્યવસ્થિત અને વિગતવાર સર્વેક્ષણ હાથ ધરીને ભીડના નિયમન માટેની યોજના અમલમાં મુકવાનું અનિવાર્ય બની ગયું છે. આ સર્વેને આધારે સ્ટેશનના લેઆઉટમાં ફેરફાર કરી શકાશે તેમ જ પ્રવાસીઓની અવરજવરનું વધુ વૈજ્ઞાાનિક ઢબે નિયમન શક્ય બનશે.
આ સર્વેના પહેલા તબક્કામાં મુંબઇના સૌથી વધુ ભીડભાડવાળા પાંચથી સાત સ્ટેશનોને આવરી લેવામાં આવશે. આમાં મુખ્યત્વે છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ, બાંદરા કુર્લા અને પ્રભાદેવી સ્ટેશનોને આવરી લેવામાં આવશે. આ સાથે પુણે અને નાસિક સ્ટેશન પર પણ સર્વે કરવામાં આવશે.
સર્વેને આધારે ખ્યાલ આવશે કે દરેક સ્ટેશન પર કઇ પડકારરૃબ બાબત છે અથવા તો સૌથી મોટું નડતર કયું છે આ બાબતોની નોંધ લઇને દરેક સ્ટેશન માટેનો અલગ ક્રાઉડ મેનેજમેન્ટ પ્લાન ઘડવામાં આવશે. બધા જ સ્ટેશનો માટે એકસરખો પ્લાન અમલમાં નહીં મુકાય.


