Get The App

માથેરાનના ટુરિસ્ટ ટેક્સીવાળાઓની ઓચિંતી હડતાલઃ પર્યટકો અટવાયા

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
માથેરાનના ટુરિસ્ટ ટેક્સીવાળાઓની ઓચિંતી હડતાલઃ પર્યટકો અટવાયા 1 - image


નિયમભંગ સામે પોલીસની કાર્યવાહીને પગલે હડતાલ

હિલ સ્ટેશન પરથી પગપાળા નીચે ઉતરવાની નોબત આવતા રજાની મજા સજામાં ફેરવાઇ

મુંબઇ  -  નેરળ-માથેરાન વચ્ચે ટેક્સીઓ દોડાવતા ટુરિસ્ટ ટેક્સીવાળાની ગેરશિસ્ત સામે પોલીસે પગલાં લેતા વિફરેલા ટેક્સીવાળાઓએ ગઇકાલે ઓચિંતી હડતાલ પાડતા  સેંકડો  ટુરિસ્ટો અટવાઇ ગયા હતા આમ રજાની મજા સજામાં ફેરવાઇ ગઇ હતી.

નેરળ-માથેરાન નવચ્ચે ટેક્સી ચલાવનારાઓ વિરૃદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવાનું સ્થાનિક પ્રશાસનનું પગલું પર્યટકો માટે પરેશાનીરૃપ બની ગયું હતું. કારણ કે ચોમાસામાં નેરળ-માથેરાન મિની-ટ્રેન સર્વિસ બંધ રહે છે. એટલે અવરજવર માટે  ટેક્સી ઉપર જ આધાર રાખવો પડે છે. પરંતુ ગઇકાલે પોલીસ એકશનના વિરોધમાં નેરળ-માથેરાન ટેક્સી ઓનર્સ એસોસીએશને સાંજે અચાનક ટેક્સીઓ દોડાવવાનું બંધ કરતાં માથેરાનથી પાછા ફરવા માગતા અનેક ટુરિસ્ટો અટવાઇ ગયા હતા. ટુરિસ્ટો માટે માથેરાન હિલ ઉતરીને પગપાળા નેરળ  પહોંચવા સિવાય કોઇ વિકલ્પ જ નહોતો રહ્યો.

આ વિશે મળતી વધુ માહિતી મુજબ નેરળ-માથેરાનના ઘાટ રસ્તે જોખમી રીતે અને બેફામ ટેક્સીઓ દોડાવતા અને આડેધડ ઓવર ટેઇક કરી ટ્રાફિક જામ કરતા ટેક્સીવાળાને પોલીસે ગઇકાલે દંડ ફટકાર્યો હતો અને કેટલીય  ટેક્સીઓ જપ્ત પણ કરી હતી આને લીધે ટેક્સીવાળા ઉશ્કેરાયા હતા.

દરમ્યાન માથેરાનના સ્થાનિકોએ જણાવ્યું હતું કે માથેરાનનું આખું અર્થતંત્ર ટુરિસ્ટો પર જ નભે છે. છતાં પર્યટકોને યોગ્ય ટ્રાન્સ્પોર્ટ સુવિધા આપવાનું પ્રશાસનને સૂજતું નથી. આને કારણે ટુરિસ્ટોએ પ્રાઇવેટ  ટેક્સીવાળાની દાદાગીરીનો સામનો કરવો પડે છે. એટલે ટુરિસ્ટો માટે વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ સેવા સરકારે પૂરી પાડવી જોઇએ.


Tags :