સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોનો કોઈને વિશ્વાસ નહીં
'યહ સચ મેં મુંબઈ હૈ ક્યા? ', 'યહ તો સો ટકા એઆઈ હૈ', 'ફર્સ્ટ ક્લાસ હૈ ઈસ લિયે' જેવી અનેક ટિપ્પણીઓ થઈ, પ્રથમ-બીજા વર્ગના પ્રવાસીઓની શિષ્ટતાનો મુદ્દો ચગ્યો
મુંબઈ - મુંબઈની જીવાદોરી ગણાતી મુંબઈ લોકલમાં ધસારાને સમયે ચઢવું કે ઉતરવું એ પણ એક સાહસ જ છે. ઝડપી, ભીડભરી સ્થિતીમાં લોકો ગમે તેમ ચઢતાં-ઉતરતાં હોય છે. ત્યારે બદલાપુર સ્ટેશને ફર્સ્ટક્લાસના ડબામાં લોકો લાઈનબદ્ધ રીતે ટ્રેનમાં ચઢી રહ્યા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. જેને કોઈ માનવા જ તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે.
વાયરલ થયેલ વિડીયોમાં મુંબઈવાસીઓ શાંતિથી લોકલ ટ્રેનના ફર્સ્ટ-ક્લાસ ડબ્બામાં લાઈનમાં ઊભા રહી ચઢતાં દેખાય છે. દરવાજા પાસે સામાન્યપણે દેખાતી ભીડને બદલે આ મુસાફરો ધીરજપૂર્વક સ્ટેશને પહોંચ્યા પછી ચઢવા માટે પોતાનો વારો આવે તેની રાહ જોતાં જોવા મળ્યાં છે. જોકે આ ટ્રેન બદલાપુરથી શરુ થતી હોવી જોઈએ, તો જ આટલી શિસ્તબદ્ધતા જોવા મળે.
વિડીયો વાયરલ થવા પાછળનું કારણ ત્યાં કોઈ સેલિબ્રિટીની ઉપસ્થિતી નથી. પરંતુ નાગરિકોની સમજ છે. લોકો શાંતિથી જે રીતે ચઢી રહ્યા છે, તે દ્રશ્ય મુંબઈ લોકલ સ્ટીરિયોટાઈપનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે આ દ્રશ્ય આખું રોજિંદી વ્યવસ્થાથી વિરોધાભાસી છે.
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ જાણે નેટીઝન્સને વિશ્વાસ જ થઈ રહ્યો નહોતો. કેટલાંકે તો પૂછ્યું પણ ખરું કે, શું આ દ્રશ્ય મુંબઈનું છે? તો કેટલાંકે ટિપ્પણી કરતાં એવુંય કહ્યું કે આ તો એઆઈ વિડીયો છે.તો વળી કેટલાંકે તો આ વિડીયો બાદ ફર્સ્ટ ક્લાસ વિરુદ્ધ સેકન્ડ ક્લાસ એમ બંને વર્ગના પ્રવાસીઓની વર્તણૂંકની તુલના કરી આ ફર્સ્ટ ક્લાસ હોવાથી પ્રવાસીઓનું આવું વર્તન છે, એવું પણ ઘણાનું કહેવું છે.


