Get The App

જસ્ટિસ ચંદ્રચુડનું નામ વટાવી 3.8 કરોડના ડિજિટલ ફ્રોડમાં સુરતનો વેપારી ઝડપાયો

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
જસ્ટિસ ચંદ્રચુડનું નામ વટાવી 3.8 કરોડના ડિજિટલ ફ્રોડમાં સુરતનો વેપારી ઝડપાયો 1 - image

અંધેરીની વૃદ્ધાની  ડિજિટલ એરેસ્ટ કરી ધાકધમકી

ઠગે જસ્ટિસ ચંદ્રચુડ તરીકે હાજર થઈ કોર્ટ ચલાવી ઃ સુરતના જિતેન્દ્ર બિયાણીને ખાતામાં ૧.૭ કરોડ જમા કરવા ૬.૪૦ લાખ કમિશન મળ્યું

મુંબઈ -  મુંબઈનાં પશ્ચિમી પરાં અંધેરીમાં રહેતા ૬૮ વર્ષના એક વૃદ્ધા સાથે ૩.૮ કરોડ રૃપિયાનું ડિજિટલ એરેસ્ટ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ વૃદ્ધાની ફરિયાદના આધારે તપાસ ચલાવી મુંબઈ પોલીસે આ કેસના એક આરોપીની ગુજરાતના સુરતથી કપડાના વેપારીની ધરપકડ કરી હતી. વેપારી જિતેન્દ્ર બિયાણીના ખાતાંમાં ૧.૭ કરોડ જમા થયા હતા અને તે પેટે તેને ૬.૪૦ લાખનું કમિશન પણ મળ્યું હતું. 

ે પ્રાપ્તા વધુ વિગતાનુસાર ૬૮ વર્ષના વૃદ્ધાને ૧૮ ઓગસ્ટના રોજ કોલાબા પોલીસ મથકમાંથી ફોન આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું બેંક ખાતુ છ  કરોડ રૃપિયાના મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલું છે. આ વાતથી ગભરાઈ ગયેલા વૃદ્ધાએ અધિકારીઓને સમજાવ્યું હતું કે તેઓ આવું કોઈ બેંક ખાતું ધરાવતા નથી. પરંતુ ફોન કરનારે વૃદ્ધાને પહેલેથી જ એક કેસ નંબર અને તેમના કેસ વિશેની વિગતો ધરાવતા પત્ર સોંપવામાં આવ્યા હતા. આ સાથે વૃદ્ધાને તેમના કેસની વિગતો કોઈને પણ જાહેર કરવાની મનાઈ ફરમાવી તેમને ધરપકડની પણ ધમકી આપવામાં આવી અને ડિજિટલ એરેસ્ટ કરી હતી. આ સાથે જ આ સમગ્ર કેસ સીબીઆઈને સોંપવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

 આ સમયે સીબીઆઈના અધિકારી હોવાનો દાવો કરનાર જયસ્વાલ નામના એક વ્યક્તિએ તેમના જીવન પર બેથી ત્રણ પાનાનો એક નિબંધ લખવાનો આદેશ આપ્યો હતો અને નિબંધ વાંચી જયસ્વાલે જણાવ્યું હતું કે તેઓ તેમની નિર્દોષતા પર વિશ્વાસ કરે છે અને તેમને જલ્દી જામીન મળશે તેવી ખાતરી આપી હતી. આ સાથે જ વૃદ્ધાના કેસની સુનાવણી જસ્ટિક ચંદ્રચુડ સમક્ષ ગોઠવવામાં આવી હોવાનું જણાવી બધા પ્રશ્નોના સાચા જવાબ આપવા જણાવ્યું હતું.

ત્યારબાદ વીડિયો કોલ પર આ કેસની સુનાવણી શરૃ થઈ હતી અને જજના પોશાકમાં એક માણસ જસ્ટિસ ચંદ્રચુડ તરીકે હાજર થયો હતો. આ વ્યક્તિએ વૃદ્ધાને મની લોન્ડરિંગ કેસની વિગતો પૂછી હતી અને તેમને દોષિત ઠેરવી તેમના જામીન નામંજૂર કર્યા હતા. ત્યારબાદ વૃદ્ધાને તેમની બધી સંપર્તિ ચકાસણી માટે સબમિટ કરવા અને તેમને બધા મ્યુચ્યુઅલ ફંડ પણ રિડીમ કરવા કહેવામાં આવ્યું હતું.

ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે વૃદ્ધાએ ૩.૭૫ કરોડ રૃપિયાની રકમ ફ્રોડસ્ટરોને ટ્રાન્સફર કરી દીધી હતી. આ સમયે ફ્રોડેસ્ટરોએ એવો દાવો કર્યો હતો કે આ રકમનું ઓડિટ કરવામાં આવશે અને પૈસા પાછા આપવામાં આવશે. જ્યારે વૃદ્ધાને તેમના કોઈ પૈસા પાછા ન મળ્યા ત્યારે તેમણે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

આ કેસની તપાસ દરમિયાન મુંબઈના જોઈનટ કમિશનર લક્ષ્મી ગૌતમ ડિસીપી પુરુષોત્તમ કરાડ અને સિનિયર ઈન્સ્પેક્ટર સુવર્ણા શિંદેની દેખરેખ હેઠળ ઈન્સ્પેક્ટર મંગેશ અને સબ ઈન્સ્પેક્ટર પૂનમ જાધવની એક ટીમ સુરત પહોંચી ગઈ હતી અને ૪૬ વર્ષના જિતેન્દ્ર બિયાાણીની ધરપકડ કરી હતી. બિયાણીના ખાતામાં છેતરપિંડીની ૧.૭ કરોડની રકમ જમા થઈ હતી અને તેને ૬.૪૦ લાખનું કમિશન પણ મળ્યું હતું. બિયાણીએ કબૂલ્યું હતું કે આ ફ્રોડના માસ્ટર માઈન્ડ હાલ વિદેશમાં છે. જેમાંથી એક ઈમિગ્રેશન અને વિઝા સર્વિસ ચલાવે છે. પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે.