Mumbai

ફલેટ, બીએમડબલ્યૂ માગનારી પત્નીને સુપ્રીમેે ઝાટકીઃ જાતે કમાઈને કેમ ખાતાં નથી

By GS TEAM
23 Jul 20253 mins read
ફલેટ, બીએમડબલ્યૂ માગનારી  પત્નીને સુપ્રીમેે ઝાટકીઃ જાતે  કમાઈને કેમ ખાતાં નથી

લગ્નના દોઢ જ માસમાં ૧૨ કરોડનું ભરણપોષણ માગ્યું 

તમે પોતે સુશિક્ષિત છો, તમારે ભરણપોષણ પર નિર્ભર રહેવું  પડે તેમ નથીઃ ચીફ જસ્ટિસ દ્વારા ટકોર

મુંબઈ - પતિ પાસેથી ભરણપોષણમાં રૃ.૧૨ કરોડ અને બીએમડબ્લ્યુ કાર તથા મુંબઈમાં ફ્લેટની માગણી કરનારી મહિલાની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી હતી. સુશિક્ષીત છો તો પોતે કમાતા કેમ નથી, પતિના પૈસા પર કેમ નિર્ભર રહેવું છે? એવો સવાલ કર્યો હતો. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઈ સમક્ષ કેસની સુનાવણી થઈ રહી હતી.લગ્નના માત્ર ૧૮ મહિનામાં વિખૂટી પડીને ભરણપોષણની માગણી મહિલાએ કરી હતી.

સીજેઆઈએ જણાવ્યું હતું કે તમે આટલા ભણેલા છો. તેમારે પોતે જ માગણી કરવી જોઈએ નહીં અને પોતે કમાઈને ખાવું જોઈએ.તમારા લગ્ન માત્ર ૧૮ મહિના ચાલ્યા અને તમને હવે બીએમડબ્લ્યુ જોઈએ છે અને દર મહિને એક કરોડ જોઈએ છે?એવી ઝાટકણી કોર્ટે કાઢી હતી.

મહિલાની શૈક્ષણિક લાયકાત એમબીએ અને આઈટી નિષ્ણાત તરીકેનો અનુભવ હોવાનું નોંધીને કોર્ટે તેમને ભરણપોષણ પર નિર્ભર નહીં રહેવું જોઈએ એવી ટિપ્પણી કરી હતી.

મહિલાએ દલીલ કરી હતી કે પતિ બહુ શ્રીમંત છે અને પોતે સ્કીઝોફ્રેનિયાથી પીડાતી હોવાનો આરોપ કરીને લગ્ન તોડવા માગે છે. હું સ્કીઝોફ્રેનિક દેખાઉં છું? એવો સવાલ મહિલાએ કોર્ટને કર્યો હતો.

પતિ વતી વકિલે દલીલ કરી હતી કે આટલા બેફામ રીતે ભરણપોષણ માગી શકાય નહીં. મહિલા પહેલાંથી જ મુંબઈમાં ફ્લેટ અને બે પાર્કિંગ સ્પોટ ધરાવે છે અને તેમાંથી પોતાની આવક રળી શકે છે. તેણેપણ કામ કરવું જોઈએ બધું આ રીતે માગી શકાય નહીં. જે બીએમડબ્લ્યુના તે  સપના જુએ છે તે ૧૦ વર્ષ જૂની છે અને હવે બંધ થઈ ગઈ છે.

કોર્ટે પતિની ભૂતકાળની આવક  રૃ. ૨.૫૦ કરોડ પગાર અને રૃ. અકે કરોડ બોનસ હોવાનું નોંધ્યું હતું અને બંને પક્ષને સંપૂર્ણ નાણાકીય દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું છે. મહિલા પતિના પિતાની મિલકત પર અધિકારનો દાવો કરી શકે નહીં એમ પણ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું.

પતિના કૃત્યને લીધે પોતાની નોકરી ગઈ અને ખોટી એફઆઈઆર નોંધાવી હોવાનો મહિલાએ આરોપ કર્યો હતો. આથી કોર્ટે ખાતરી આપી હતી કે તમે એફઆઈઆર કરો અમે તે પણ રદ કરીશું. અમે નિર્દેશ આપીશું કે કોઈ પક્ષ એક બીજા પર કોઈ ફોજદારી કાર્યવાહી કરશે નહીં.

સુનાવણીના અંતમાં કોર્ટે મહિલાને બે વિકલ્પ આપ્યા હતા ક્યાં તો બોજા મુક્ત ફ્લેટ અથવા રૃ. ચાર કરોડ સ્વીકારે  અને પુણે, હૈદરાબાદ કે બેન્ગલુરુ જેવા આઈટી હબમાં નોકરી શોધે. કોર્ટે ચુકાદા માટે કેસ અનામત રાખ્યો છે. 

વધુ સારી અને લોભામણી આર્થિક સમજૂતી કરવા માગતી હોવાથી સેકન્ડ મોશન ઓફ ડિવોર્સ ફાઈલ કરવા માહતી નહોવાના કારણસર ફર્સ્ટ મોશન પિટિશન ઓફ મ્યુચ્યુઅલ કન્સેન્ટમાં કરેલા સંયુક્ત નિવેદન અને બાંયધરી તથા સમજૂતી કરારમાંથી પીછેહટ કરવાનો પત્નીને અધિકાર હોવાને આધારે પતિને રાહત આપવાનો ઈનકાર કરતા બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે પતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 

પત્નીએ સમજૂતી કરારમાં બાંયધરી આપી હતી કે તે મુંબઈના કલ્પતરું હેબિટેટમાં ફ્લેટ લઈને તમામ નાણાકીય દાવાઓનું અંતિમ સમાધાન કરશે અને કોઈ વધુ દાવા કરશે નહીં એમ પતિએ રજૂઆત કરી હતી.વધુમાં એવું નક્કી કર્યું હતું કે એકબીજા સામે પ્રલંબિત ૨૦થી વધુ કેસોને પાછા ખેંચી લેશે એવું નક્કી થયું હતું. દિલ્હી કોર્ટે ફર્સ્ટ મોશન કન્સેન્ટને માન્ય કર્યા બાદ પત્નીએ સેકન્ડ મોશન માટેની  સંમતિ પાછી ખેંચી હતી. આથી ફરી પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે સંમતિ પાછી ખેંચવાના પત્નીના કૃત્યને કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો હોવાનું સ્પષ્ટ થાય છે, એમ પતિએ દાવો કર્યો હતો.