સુપ્રીમ કોર્ટમાંથી પણ કોકાટેને આંશિક જ રાહત
કોકાટેનું ધારાસભ્ય પદ ચાલુ પરંતુ તેઓ કોઈ ભંડોળ વાપરી શકશે નહિ કે ગૃહમાં મતદાન સહિતના કોઈ અધિકાર ભોગવી શકશે નહિ
મુંબઈ - રાજ્યના ભૂતપૂર્વ સ્પોર્ટ્સ પ્રધાન માણિકરાવ કોકાટેને ૧૯૯૫ના નાશિક હાઉસિંગ ફ્રોડના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોકાટેન કસૂરવાર ઠેરવતા સેશન્સ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ પર હાઈકોર્ટે મનાઈહુકમ આપ્યો ન હતો પરંતુ હવે સુપ્રીમ કોર્ટે કોકાટેને કસૂરવાર ઠેરવતા આદેશ પર સ્ટે આપ્યો છે. કોકાટેએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી અને તેની સુનાવણી તાજેતરમાં જ થઈ હતી. સુપ્રીમ કોર્ટે કોકાટેની અપીલ પર રાજ્ય સરકારને નોટિસ મોકલાવી છે. અદાલતે કોકાટેનું ધારાસભ્ય પદ રદ થવા સામે રક્ષણ આપ્યું હતું, પરંતુ તેમને કોઈ સરકારી અધિકારો મળી શકશે નહીં, અમે સુપ્રીમે આદેશમાં જણાવ્યું હતું.
અજિત પવાર જૂથના નેતા અને રમતગમત મંત્રી માણિકરાવ કોકાટેને બે વર્ષની જેલની સજાએ રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચાવી દીધી હતી. ૩૦ વર્ષ પહેલાના એક કેસને કારણે કોકાટેને સજા ફટકારવામાં આવી હતી. હવે તેમને તે કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.
સુપ્રીમ કોર્ટે ૧૯૯૫ ના સરકારી આવાસ યોજના સંબંધિત છેતરપિંડી અને બનાવટી કેસમાં તેમની સજા પર રોક લગાવી દીધી છે. કોર્ટે કોકાટેની સજા પર રોક લગાવવાની અરજી પર મહારાષ્ટ્ર સરકારને નોટિસ ફટકારી છે.
ગયા અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટે તેમની બે વર્ષની જેલની સજા સ્થગિત કરી હતી,પરંતુ હાઈકોર્ટે દોષીત ઠેરવતા આદેશ પર એમ કહીને સ્ટે મૂકવાનો ઇનકાર કર્યોે હતો કે પ્રથમ દ્રષ્ટિએ પુરાવા કોકાટેની સંડોવણી તરફ ઈશારો કરે છે.
સુપ્રીમ કોર્ટની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોકાટે સામે કોઈ કાર્યવાહી કરી શકાશે નહીં. માણિકરાવ કોકાટે ધારાસભ્ય તરીકે રહેશે, પરંતુ તેમને ધારાસભ્ય તરીકે કોઈ અધિકાર રહેશે નહીં. એટલે કે, કોકાટે કોઈપણ ભંડોળનો ઉપયોગ કરી શકશે નહીં. જો રાજ્યસભા કે વિધાન પરિષદ માટે મતદાન થાય છે, તો તેઓ તે પણ કરી શકશે નહીં. એક રીતે, કોકાટે અધિકારો વિનાના ધારાસભ્ય રહેશે, જેમ તેઓ પોર્ટફોલિયો વિનાના મંત્રી છે,એમ વકીલોએ માહિતી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસ ૧૯૯૫નો છે. તે સમયે રાજ્યમાં ગઠબંધન સરકાર સત્તામાં હતી. નાશિકના પોશ ગણાતા કેનેડા કોર્નર વિસ્તારમાં પ્રાઇમ એપાર્ટમેન્ટ નામની ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું. કોકાટે પર આ ઇમારતમાં ફ્લેટ મેળવવા માટે ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવાનો આરોપ છે. તત્કાલીન નિયમો અનુસાર, મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના ૧૦ ટકા ફ્લેટ સરકાર માટે અનામત રાખવામાં આવતા હતા. આ ફ્લેટ જરૃરિયાતમંદોને અથવા ચોક્કસ શ્રેણીના લોકોને ઓછા દરે આપવામાં આવે છે. માણિકરાવ કોકાટે પર આ ક્વોટાનો લાભ લેવાનો આરોપ છે. આ માટે, માણિકરાવ કોકાટે અને તેમના ભાઈ વિજય કોકાટે, કોકાટે ભાઈઓએ ઓછા દરે ફ્લેટ મેળવવા માટે વહીવટને ગેરમાર્ગે દોર્યો. તેમણે નકલી દસ્તાવેજોના આારે આ ક્વોટામાંથી પોતાના નામે ચાર જેટલા ફ્લેટ મેળવ્યા હતા.


