7/11 ટ્રેન વિસ્ફોટો કેસમાં હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોટનો સ્ટે
તમામ ૧૨ આરોપીને નિર્દોષ છોડવા સામે રાજ્ય સરકારની અપીલમાં નિર્ણય
જોકે, જેલમાંથી છૂટી ચૂકેલા આરોપીઓને ફરી નહિ બોલાવાય, ફક્ત જવાબો રજૂ કરવા નોટિસનો આદેશ
મુંબઈ - મુંબઈની લોકલ ટ્રેનોમાં ૨૦૦૬ની સાતમી જુલાઈએ થયેલા વિસ્ફોટોના કેસમાં તમામ ૧૨ આરોપીને નિર્દોષ છોડવાના બોમ્બે હાઈકોર્ટે ગઈ તા. ૨૧મી જુલાઈએ આપેલા ચુકાદાના અમલ પર સુપ્રીમ કોર્ટ દ્વારા મનાઈ હુકમ અપાયો છે. જોકે, સુપ્રીમ હાઈકોર્ટના ચુકાદા બાદ જેલમાંથી ઓલરેડી છૂટી ગયેલા આરોપીઓને ફરી જેલભેગા કરવા જણાવ્યું નથી. આ આરોપીઓને મહારાષ્ટ્ર સરકારની અપીલ સંદર્ભમાં તેમના જવાબો આપવા નોટિસો જ પાઠવવામાં આવશે.
આ કેસોમાં હાઈ કોર્ટના ચુકાદાને લીધે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ) હેઠળ પ્રલંબિત અનેક કેસો પર અવળી અસર થઈ શકે છે એવી મહારાષ્ટ્ર સરકારે વ્યક્ત કરેલી ચિંતાને સુપ્રીમ કોર્ટે નોંધમાં લઈ આ મનાઈ હુકમ આપ્યો હતો.
ન્યા. સુંદરેશ અને ન્યા. સિંહની બેન્ચે તમામ ૧૨ આરોપીને નોટિસ જારી કરીને રાજ્ય સરકારની અપીલ પર તેમનો જવાબ પણ મગાવ્યો છે. આ આદેશથી દાખલો બેસવો ન જોઈએ અને આથી હાઈકોર્ટના આ આદેશ પર મનાઈ હુકમ આપવામાં આવે છે , એમ કોર્ટે ટુંકાણમાં આપેલા આદેશમાં જણાવ્યું હતું.
બોમ્બે હાઈકોર્ટે ૨૧ જુલાઈએ મકોકા કોર્ટના ચુકાદાને રદબાતલ કર્યો હતો. મકોકા કોર્ટે પાંચ આરોપીનેમૃત્યુદંડ અને સાત આરોપીને જન્મટીપની સજા ફટકારી હતી.મહારાષ્ટ્ર સરકારે બોમ્બ ેહાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને ચુકાદાને અતિ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં જોકે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રાજ્ય સરકાર વતી કોર્ટને જણાવ્યું હતું કે ચુકાદા બાદ જે આરોપીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તેમને ફરી શરણે થવાનું કહેવામાં આવે તેવી અમારી માંગ નથી. અમારી માંગ ફક્ત આ ચુકાદા પર મનાઈ હુકમની છે. કારણ કે હાઈકોર્ટે ચુકાદામાં કરેલા અમુક નિરીક્ષણોથી મકોકા હેઠળના અન્ય કેસો પર અવળી અસર થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે દલીલ સ્વીકારીને જણાવ્યું હતું કે આગામી આદેશ સુધી હાઈકોર્ટના ચુકાદાને દાખલારૃપ માનવામાં આવે નહીં. આદેશમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કેે આરોપીઓને ફરી જેલમાં લાવવાની આવશ્યકતા નહોવાનું કહેવામાં આવ્યું છે. ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ લોકલ ટ્રેનોમાં થયેલા સાત બોમ્બ ધડાકામાં ૧૮૯ના મોત થયા હતા અને ૮૨૦થી વધુ ગંભીર ઈજા પામ્યા હતા. આ બોમ્બધડાકા લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં સાંજે ૧૧ મિનિટ દરમિયાન કરવામાં આવ્યા હતા.
હાઈકોર્ટે એમ કહીને મકોકા કોર્ટના ચુકાદાને ફગાવી દીધો હતો કે આ વિસ્ફોટોમાં આરોપીઓની સંડોવણી હોવાનું માની શકાય તેવા નક્કર પુરાવા નથી. આ કેસમાં આરોપીઓની કબૂલાતો ટોર્ચર કરીને લેવામાં આવી છે અને સાક્ષીઓનાં નિવેદન વિશ્વસનીય નથી એમ હાઈકોર્ટે નોંધ્યું હતું.