Get The App

અબુ સાલેમે સજા પૂર્ણ થયાના દાવા સાથે કરેલી મુક્તિની અરજી સુપ્રીમે ફગાવી

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
અબુ સાલેમે સજા પૂર્ણ થયાના દાવા સાથે  કરેલી મુક્તિની અરજી સુપ્રીમે ફગાવી 1 - image

પોર્ટુગલ સરકાર સાથે થયેલા કરાર અનુસાર સજા પૂણ થર્યાનો દાવો

સુપ્રીમે  સજામાં સવલતોની પણ ગણતરી કરી હોવાનો સવાલ કરીને રાહત નકારી હાઈકોર્ટમાં જવા તક આપી

મુંબઈ - ૯૯૩ના બોમ્બ ઘડાકાના કેસમાં મુખ્ય દોષિત અને કુખ્યાત ગેન્ગસ્ટર અબુ સાલેમને સુપ્રીમ કોટ ઝટકો આપ્યો છે.  પચ્ચીસ  વર્ષની સજા પૂર્ણ થઈ હોવાનો દાવો કરીને મુક્તિ માટે કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. ખાસ કરીને સજામાં મળતી સુવિધાની ગણતરીને લઈને કોર્ટે સાલેમના  વકીલને ભીંસમાં લીધા હતા. સુપ્રીમે અરજી ફગાવતાં  હાલ સાલમ જેલમાં જ રહેશે.

સાલેમ વતી સુપ્રીમમાં અરજી કરીને દાવો કરાયો હતો કે તેણે  પચ્ચીસ વર્ષની સજા પૂરી કરી છે અને આથી તેને મુક્ત કરવામાં આવે. સાલેમના  વકીલે  જણાવ્યું હતું કે ૧૧ નવેમ્બર ૨૦૦૫ના રોજ તેને તાબામાં લેવાયો હતો ત્યારથી આજ સધી પચ્ચીસ વર્ષ પૂરા થયા છે.

સાલેમના દાવા પર સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે પચ્ચીસ  વર્ષની ગણતરીમાં તમે સજામાં મળેલી સવલતને પણ ગણી છે? પ્રત્યાર્પણના કરારની શરત  અનુસાર સાલેમને મળેલી સવલત અને મૂળ સજામાં તાલમેલ બેસતો નહોવાનું કોર્ટના ધ્યાનમાં આવ્યું હતું. પરિણામે કોર્ટે તેને કોઈ તાત્કાલિક રાહત નકારી હતી અને અરજી ફગાવી હતી. સુપ્રીમે સાલેમને હાઈ કોર્ટમાં જવાની છૂટ આપી હતી.

સાલેમને ૨૦૦૨માં બનાવટી પાસપોર્ટ કેસમાં પોર્ટુગલમાં ધરપકડ કરાઈ હતી. ભારતે પ્રત્યાર્પણની માગણી કરી ત્યારે પોર્ટુગલ સરકારે શરત મૂકી હતી. કે મૃત્યુદંડની જોગવાઈ અમારે ત્યાં નથી અને વધુને વધુ  પચ્ચીસ  વર્ષની કેદ થઈ શકે છે. આથી ભારતે આશ્વાસન આપ્યું હતું કે તેને ફાંસી નહીં પણ પચ્ચીસ  વર્ષથી વધુની સજા પણ નહીં થાય. ત્યાર બાદ સાલેમને ભારતના તાબામાં સોંપાયો હતો.

૧૨ માર્ચ ૧૯૯૩ના દિવસે મુંબઈના ૧૩ સ્થળે આરડીએક્સથી વિસ્ફોટ કરાયા હતા. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એર ઈન્ડિયા ઈમારત જેવા મહત્ત્વના સ્થળો સામેલ હતાં.