જેકલિન ફર્નાન્ડિઝ સામેનો ૨૦૦ કરોડનો મની લોન્ડરિંગનો કેસ રદ કરવાની સુપ્રીમે ના પાડી

દિલ્હી હાઇકોર્ટના ચૂકાદાને પડકારતી અપીલ નકારી કાઢવામાં આવી
સબંધિત મામલે આરોપો ઘડવાના તબક્કે અમે કોઇ હસ્તક્ષેપ કરી શકીએ નહીં- સુપ્રીમ
પોતાની સામે ચાલી રહેલાં ૨૦૦ કરોડ રૃપિયાના મની લોન્ડરિંગના કેસને ફગાવી દેવા અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝે કરેલી અપીલને સુપ્રીમ કોર્ટે સોમવારે નકારી કાઢી હતી. દિલ્હી હાઇકોર્ટના ચૂકાદાને પડકારતી અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝની અપીલને જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ એ. જી. મસીહની બેન્ચે ફગાવી દઇ કેસની કાર્યવાહી ચાલુ રાખવા જણાવ્યું હતું. જો કે અરજદારને યોગ્ય અદાલત સમક્ષ રજૂઆત કરવાની છૂટ આપવામાં આવી હતી.
જસ્ટીસ દત્તાએ જણાવ્યું હતું કે આરોપ એ છે કે તમને આકહેવાતા ગુના માટે ૨૦૦ કરોડ રૃપિયાનો એક હિસ્સો ભેટ તરીકે આપવામાં આવ્યો હતો. જો કે, હજી કશું સાબિત થયું નથી. આરોપો ઘડવાના તબક્કે જ અમે આ મામલે કશો હસ્તક્ષેપ કરી શકીએ નહીં.
અગાઉ ફર્નાન્ડિઝ વતી સિનિયર વકીલ મુકુલ રોહતગીએ બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે મારી અસીલ જેકલિન ફર્નાન્ડિઝ મની લોન્ડરિંગના કેસમાં કોઇ રીતે સામેલ નથી અને તે નિર્દોષ છે. જેક્લીનને એ પણ ખબર નહોતી કે સુકેશ ચન્દ્રશેખર એક ઠગ છે અને લોકો પાસેથી વસૂલી કરે છે. રોહતગીએ જણાવ્યું હતું કે અરજદાર એક અભિનેત્રી છે અને સુકેશ તેની પર મોહિત થયેલો હતો અને તેણે કેટલીક ભેટ મોકલી હતી. પણ મની લોન્ડરિંગનો ગુનો આચરવા માં મારી અસીલે કોઇ મદદ કરી હોય તેવો તેની પર કોઇ આરોપ કે સાક્ષી નથી.
રોહતગીએ જણાવ્યું હતું કે મારી અસીલ આ કેસમાં સાક્ષી હોવી જોઇએ. તે કદી કોઇ કેસમાં જેલમાં ગઇ નથી. જેના પ્રતિભાવમાં જસ્ટિસ દત્તાએ જણાવ્યુ હતું કે આમાં અજાણ્યા હોવાનો મામલો નથી. તમે ઇચ્છો તો અરજી પાછી ખેંચી યોગ્ય અદાલત સમક્ષ રજૂઆત કરી શકો છો. બેન્ચે તેમને યોગ્ય સ્તરે અરજી કરવાની છૂટ આપી હતી.








