મહારાષ્ટ્રમાં 4 માસમાં સ્થાનિક ચૂંટણીઓ યોજવા સુપ્રીમનો આદેશ
મુંબઈ મહાપાલિકા સહિતની રાજ્યની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીનો માર્ગ મોકળો
ચાર સપ્તાહમાં ચૂંટણી પ્રક્રિયા શરુ કરવા અને ચાર મહિનામાં પૂર્ણ કરવા રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને નિર્દેશઃ ૨૦૨૨ પૂર્વેની ઓબીસી સ્થિતિને આધારે ચૂંટણી પાર પડાશેઃ ચોક્કસ કેસમાં મુદત વધારો માગી શકાશે
ત્રણ વર્ષથી ચૂંટાયેલી પાંખ વિના વહીવટદાર અધિકારીઓ દ્વારા ચાલતાં શાસનનો અંત આવશેે
મુંબઈ - મહારા માં આગામી ચાર માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજી દેવા સુપ્રીમ કોર્ટે રાજ્યના ચૂંટણી પંચને આદેશ આપ્યો છે. રાજ્યમાં મુંબઈ મહાનગરપાલિકા સહિતની અનેક મોટાં શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, નગર પરિષદો સહિતની ચૂંટણીઓ છેલ્લાં ત્રણ વર્ષથી ઓબીસી આરક્ષણ વિવાદના કારણે અટકી પડી હતી. હવે સુપ્રીમ કોર્ટે એક વચગાળાનો આદેશ આપી મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચ (એસઈસી)ને ચાર સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત કરવા અને ચાર મહિનામાં આખી પ્રક્રિયા પૂર્ણ કરવાનું જણાવ્યું છે. બીએમસી સહિતની મહાનગરપાલિકાઓમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં જ ન હતી અને વહીવટદાર થકી જ શાસન ચાલતું હતું. આખરે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે હવે આગામી મહિનાઓમાં ચૂંટણીની નોબત આવતાં મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ ફરી તેજ બનવાનાં એંધાણ છે.
ન્યા. સૂર્યા કાંત અને ન્યા. એન. કે. સિંહની બેન્ચે આદેશમાં જણાવ્યું છે કે બાંઠીયા પંચના જુલાઈ ૨૦૨૨ના અહેવાલ પૂર્વેના ઓબીસી આરક્ષણની સ્થિતિને આધારે ચૂંટણીઓ પાર પાડવી જોઈશે. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વચગાળાનો આદેશ બાંઠીયા કમિશનની યોગ્યતાને પડકારતી અરજીઓના અંતિમ ચુકાદાને આધિન રહેશે અને આદેશ કોઈ પક્ષની દલીલ પર અસરકર્તા રહેશે નહીં. આ પંચે ઓબીસીની સંખ્યા નક્કી કરવા માટે વસતી ગણતરીની ભલામણ કરી હતી અને ત્યારબાદ તે અનુસાર સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી માટે ૨૭ ટકા બબેઠકો અનામત રાખવા જણાવ્યું હતું.
રાજ્ય સરકાર અને ચૂંટણી પંચને સપ્ટેમ્બર મહિના સુધી રાજ્યની તમામ મહાપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી યોજવાની રહેશે. લાંબા સમયથી પડતર વિવિધ મહાપાલિકા, જિલ્લા પરિષદ, પંચાયત સમિતિ, નગરપંચાયતની ચૂંટણી યોજવા જણાવાયું છે. જોકે, કોઈ વિશિષ્ટ કેસમાં સમય જોઈતો હશે તો ચૂંટણી યોજવા બાબતે મુદત માગી શકાય છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
સોલિસિટર જનરલ તુષાર મહેતાને સવાલ કરીને કોર્ટે જણાવ્યું હતું કે હાલના આરક્ષણ માળખાને આધારે ચૂંટણી કેમ યોજવામાં આવતી નથી. કાયદા હેઠળ તમે કેટલાંક ઓબીસી ગુ્રપ શોધી કાઢ્યા છે. એના આધારે ચૂંટણી કેમ થઈ શકે નહીં, આ સવાલોના સંદર્ભમાં સોલિસિટર જનરલે સંમતી દર્શાવી હતી કે ચૂંટણીઓ બેમુદત અટકાવી શકાય નહીં.
આ મુદ્દાઓ પડતર હોવા છતાં તમામ પક્ષોએ લોકશાહી પ્રક્રિયા ફરી શરૃ થવી જોઈએ એવી સંમતિ દર્શાવી હતી. સુનાવણી થોડો સમય મોકૂફ રહી હતી બાદમાં સરકારની બાજુ સાંભળવામાં આવી હતી અને ત્યાર બાદ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અગાઉ ગત ઓગસ્ટ ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટે રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ બાબતે યથાવત સ્થિતિ જાળવી રાખવા આદેશ આપ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે જ્યાં ચૂંટણી પ્રક્રિયા શરુ થઈ ચૂકી હોય તેવી ૩૬૭ સ્થાનિક સંસ્થામાં ફરી નોટિફિકેશન જારી નહી કરવા સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ સામે અપીલ કર્યા બાદ સુપ્રીમે આ આદેશ આપ્યો હતો. રાજ્ય સરકારે ૨૮મી જુલાઈ, ૨૦૨૨ના રોજ ઓબીસી અનામત માટે વટહુકમ પ્રગટ કર્યો હતો. બાદમાં રાજ્ય સરકારે આ આદેશ પાછો ખેંચવા અથવા તો તેમાં સુધારા માટે સુપ્રીમને અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આવી સ્થાનિક સંસ્થાઓમાં નવેસરથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે તો કન્ટેમ્પટની કાર્યવાહી કરવાની ચિમકી રાજ્યનાં ચૂંટણી પંચને ગત ૨૮મી જુલાઈ ૨૦૨૨ના રોજ આપી હતી.