માથેરાનમાં તમામ ઈ રિક્ષા જ દોડાવવા સુપ્રીમનો આદેશ
હાથ રિક્ષાની અમાનવીય પ્રથા સદંતર બંધ કરી દેવાનો આદેશ
અગાઉ પાયલોટ પ્રોજેક્ટના ભાગ રુપે ૨૦ ઈ રિક્ષાના પરવાના અપાયા હતા હવે બાકીના તમામ ૭૪ હાથ રિક્ષાવાળાને ઈ રિક્ષાના પરવાના અપાશ
મુંબઇ - ઇકો- સેન્ઝીટીવ ઝોનમાં આવેેલા હિલસ્ટેશન માથેરાનમાં હાથરિક્ષા ખેંચવાની અમાનવીય પ્રથા બંધ કરવાનો સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ કર્યો છે. સુપ્રીમે તમામ હાથ રિક્ષા ધારકોને ઈ રિક્ષાના પરવાના આપવાની શક્યતા ચકાસવા જણાવ્યું છે. હાથ રિક્ષાના સ્થાને તમામ ઈ રિક્ષા જ દોડવી જોઈએ તેમ સુપ્રીમે જણાવ્યું છે.
ગિરીમથક માથેરાનમાં મોટર- વાહનો પર પ્રતિબંધ છે. એટલે અનેક દાયકાઓની હાથરિક્ષા અને ઘોડા પર વહેવાર ચાલે છે. અગાઉ હાથ રિક્ષાની જગ્યાએ ઈ રિક્ષાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. તેમાં ઈ રિક્ષા માટે ૨૦ પરવાના અપાયા હતા. માથેરાનમાં હાથ રિક્ષાના કુલ ૯૪ પરવાના ધારકો હતા. તેમાંથી ૨૦ને પાયલોટ પ્રોજેક્ટમાં પરવાના અપાયા બાદ બાકીના ૭૪ને પણ ઈ રિક્ષાના પરવાના આપવાની શ્રમિક હાથરિક્ષા ચાલક સંગઠન ની લાંબા સમયથી માગણી હતી.
જોકે, બધા જ હાથરિક્ષાવાળાને ઇ- રિક્ષાના લાયસન્સ આપવા સામે ઘોડાવાળાના અશ્વપાલ સંગઠને વિરોધ કર્યો હતો. પરિણામે આ વિવાદ સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો હતો. આ કેસની સુનાવણી વખતે ચીફ જસ્ટીસ ભૂષણ ગવઇએ હાથરિક્ષાવાળાને ઇ- રિક્ષા આપવા અંગેનો અહેવાલ બે અઠવાડિયામાં કોર્ટને સુપરત કરવા રાજ્ય સરકારને જણાવ્યું હતું. ઉપરાંત સ્થાનિકોને ઇ- રિક્ષા ખરીદવા માટે આર્થિક સહાયની વિચારણા કરવાનું પણ જણાવ્યું છે. પર્યટકોને અને સ્થાનિક રહેવાસીઓને ઇ- રિક્ષાથી ઘણો ફાયદો થશે અને પર્યાવરણને નુકસાન પણ નહી થાય એમ શ્રમિક હાથરિક્ષા સંગઠનના શકીલ પટેલ અને સચિવ સુનીલ શિંદેએ જણાવ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ માથેરાનમાં ઇ- રિક્ષા દોડાવાશે
ગુજરાતના એક્તા નગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જે રીતે પર્યાવરણને અનુકૂળ ઇ- રિક્ષા દોડાવવામાં આવે છે એવી જ રીતે ઇકો- સેન્ઝીટીવ હિલ-સ્ટેશન માથેરાનમાં ઇ- રિક્ષા દોડાવવામાં આવશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સ્થાનિક મહિલાઓને ઇ- રિક્ષા ભાડેથી ચલાવવા માટે આપવામાં આવી છે અને આ રીતે તેમને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આને લીધે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવતા ટુરિસ્ટોને ઘણી રાહત થઇ છે અને આ રિક્ષાને લીધે પ્રદૂષણ પણ ફેલાતું નથી. એટલે ગિરીમથક માથેરાનના પર્યાવરણને દૂષિત ન કરે એવી ઇ- રિક્ષા દોડાવવાની હિમાયત અદાલતે કરી છે. આ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ઇ- રિક્ષા મોડેલનો અભ્યાસ કરવાનું સરકારને સૂચવ્યું છે.