ગેન્ગસ્ટર અરુણ ગવળીને 18 વર્ષે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
કમલાકર જામસાંડેકર હત્યા કેસમાં જામીન
વૃદ્ધાવસ્થા અને લાંબો સમયથી અપીલ વિચારાધીન હોવાની અદાલતની નોંધ
મુંબઈ - અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળીને શિવસેનાના નગરસેવક કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. નાગપુર સેન્ટ્રલ જેલમાં જન્મટીપ ભોગવી રહેલા ગવળી ૧૮ વર્ષથી જામીન મેળવવા પ્રયાસમાં હતો. તેને જામીન મંજૂર થયા હોવા છતાં ગુરુવારે છુટકારો થયો નથી અને શુક્રવારે પણ બહાર આવે એવી શક્યતા ઓછી છે.
જામસાંડેકરની ઘાટકોપર ખાતેના નિવાસસ્થાને ધોળા દિવસે હત્યા કરવામાં અવી હતી. આ કેસમાં ૭૬ વર્ષીય ગવળી સામે મકોકા કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો.
જામીન આદેશમાં કોર્ટે ગવળીની વૃદ્ધાવસ્થા અને જામીન માટે ૧૭ વર્ષ અને ત્રણ મહિનાથી પ્રલંબિત અપીલને ધ્યાનમાં રખાઈ હતી. કોર્ટે ફેબુ્રઆરી ૨૦૨૬માં કેસને અંતિમ સુનાવણી માટે મુલતવી રાખ્યો હતો.
અગાઉ જૂન ૨૦૨૪માં સુપ્રીમે ગવળીની અકાળ મુક્તિ આપવાના હાઈકોટેના નિર્ણય પર સ્ટે આપ્યો હતો. બાદમાં સ્ટે આદેશ લંબાવ્યો હતો.
આ કેસમાં ૨૦૧૨માં સેશન્સ કોર્ટે આજીવનકેદની સજા ફટકારી હતી.