Mumbai

સુપ્રીમ કોર્ટે માજી પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલ માનેને જામીન આપ્યા

By GS TEAM
14 Sep 20252 mins read
સુપ્રીમ કોર્ટે  માજી પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલ માનેને જામીન આપ્યા

એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં ચુકાદો

કેસમાં જામીન પર મુક્ત  નિવૃત્ત એસીપી પ્રદીપ શર્મા જેવી સ્થિતિ માનેની હોવાની નોંધ

મુંબઈ -   એન્ટિલિયા આતંકવાદી હુમલા અને ત્યારબાદ થાણે સ્થિત ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના કેસમાં એપ્રિલ ૨૦૨૧માં ધરપકડ કરવામાં આવેલા મુંબઈના બરતરફ પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ માનેને નવી દિલ્હીથી સુપ્રીમ કોર્ટે શુક્રવારે જામીન આપ્યા છે.

ન્યાયાધીશ પીએસ નરસિંહા અને ન્યાયાધીશ એએસ ચાંદુરકરની બેન્ચે નોંધ્યું હતું કે માને ટ્રાયલ શરૃ થયા વિના સાડા ચાર વર્ષથી વધુ સમય કસ્ટડીમાં વિતાવી ચૂક્યા છે.  કેસના તથ્યો અને સંજોગોમાં, અમારું માનવું છે કે અરજદારને જામીન પર મુક્ત કરવો જોઈએ, ટ્રાયલ કોર્ટ જે શરતો લાદી શકે તે મુજબ,એમ કોર્ટે અવલોકન કર્યું હતું.

બેન્ચે એ પણ નિર્દેશ કર્યો હતો કે માનેની સ્થિતિ સહ-આરોપી અને નિવૃત્ત એસીપી પ્રદીપ શર્મા જેવી વધુ કે ઓછી સમાન હતી. શર્માને  ૨૦૨૩ માં જામીન આપવામાં આવ્યા હતા.

માનેના વકીલો સોમવારે મુંબઈની ટ્રાયલ કોર્ટમાં જામીનની ઔપચારિકતાઓ પૂર્ણ કરે તેવી અપેક્ષા છે. કોર્ટ તેમની મુક્તિ માટે શરતો નક્કી કરશે, જેના પગલે માને લગભગ સાડા ચાર વર્ષ પછી જેલમાંથી બહાર આવી શકે છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ માનેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ ૨૫ ફેબુ્રઆરી, ૨૦૨૧ના રોજ શરૃ થયો હતો, જ્યારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈમાં નિવાસસ્થાનની બહાર જિલેટીન સ્ટિક્સથી ભરેલી એસયુવી અને ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો. થોડા દિવસો પછી પાંચ માર્ચના રોજ એસયુવી સાથે જોડાયેલા મનસુખ હિરેનનો મૃતદેહ થાણેની એક ખાડીમાંથી મળી આવ્યો હતો.

એનઆઈએ અનુસાર, માને ૨ માર્ચ, ૨૦૨૧ ના રોજ બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝે અને નિવૃત્ત એસીપી શર્મા સાથે કાવતરાની બેઠકનો ભાગ હતો, જ્યાં હિરેન પણ હાજર હતો. તપાસકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે માને તાવડે નામના ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાતો હતો, હિરેનને એક જગ્યાએ લલચાવ્યો હતો અને તેને અન્ય લોકોને સોંપી દીધો હતો જેમણે પાછળથી તેની હત્યા કરી દીધી હતી. એજન્સીએ વધુમાં દાવો કર્યોે હતો કે માનેને હિરેનને તેના કથિત હત્યારાઓને પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા વાહનની વિગતો આપવામાં આવી હતી.