Mumbai

વિરારના માજી મ્યુ. કમિશનરની મુક્તિને સુપ્રીમનની પણ બહાલીઃ ઈડીની ઝાટકણી

By GS TEAM
18 Oct 20252 mins read
વિરારના માજી મ્યુ. કમિશનરની મુક્તિને સુપ્રીમનની પણ બહાલીઃ ઈડીની ઝાટકણી

અનિલ પવારની ધરપકડને ગેરકાયદે ઠેરવતા હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે નહિ

આટલી ઉતાવળે ધરપકડ કેમ કરી તેમ કહી ઈડીને ઠપકો આપી વધુ સુનાવણી નવેમ્બર પર રાખવામાં આવતાં પવારને રાહત 

મુંબઈ - હાઈ કોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ વસઈ વિરાર માજી પાલિકા કમિશનર અનિલ કુમાર પવારની ધરપકડને મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ઝાટકણી કાઢી હતી. વસઈ-વિરારમાં માજી કમિશનર અનિલ કુમાર પવારને મુક્તિ આપવાની સ્થગિતી આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો હતો.  આ સંબંધી આગામી સુનાવણી નવેમ્બરમાં થશે.

વસઈ-વિરાર પરિસરમાં બાંધકામ ગોટાળા પ્રકરણે  ઈડીએ પવારની ૧૩ ઓગસ્ટે ધરપકડ કરી હતી. ધરપકડ ગેરકાયદે હોવાનું જણાવીને પવારે હાઈકોર્ટમાં અરજી કરતાં કોર્ટે ધરપકડ ગેરકાયદે ગણાવી હતી અને પવારને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. 

ચુકાદાને ઈડીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. શુક્રવારે કોર્ટના કામકાજનો છેેલ્લો દિવસ હતો આથી સુપ્રીમના ચુકાદા સામે સૌની મીટ હતી.સુપ્રીમે ઈડીની ઝાટકણી કાઢીને સવાલ કર્યો હતો કે આટલી ઉતાવળે ધરપકડ કેમ કરી એમ જણાવીને હાઈકોર્ટના ચુકાદાને સ્થગિતી નકારી હતી. 

વસઈ વિરારની ૪૧ ગેરકાયદે ઈમારત અને તેના કૌભાંડની તપાસમાંવસઈ વિરારના ભૂતપૂર્વ કમિશનર અનિલ કુમાર પવાર, સસ્પેન્ડ ડેપ્યુટી ડિરેક્ટર ઓફ અર્બન પ્લાનિંગ વાય.એસ. રેડ્ડી, જમીન માફિયા સીતારામ ગુપ્તા અને અરુણ ગુપ્તાની ૧૩ ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી.  ડેવલપરની ૭૧ કરોડની મિલકત પર જપ્તીની કાર્યવાહી થઈ છે. મની લોન્ડરિંગના કેસમાં કાર્યવાહી થઈ છે. આમાં પવારની પત્ની અને પુત્રીના નામની મિલકતનો પણ સમાવેશ છે.

 આ જપ્તીમાં અનિલ પવારની પત્ની ભારતી પવાર અને તે જે કંપનીઓના ડિરેક્ટર છે - જનાર્દન એગ્રી,  બીએસઆર  રિયલ્ટી, જે.એ. પવાર બિલ્ડર્સ અને શ્તિકા એન્ટરપ્રાઇઝ (પવારની પુત્રીના નામ પરથી બનાવેલી ફર્મ) ની મિલકતોનો પણ સમાવેશ થાય છે. ઇડીએ આ કેસમાં ૩૪૧ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

            અનિલ કુમાર પવાર જ્યારે વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર હતા ત્યારે દરેક કામમાં પૈસા અને મોટી લાંચ લેતા હતા. એવો આરોપ છે કે અનિલ પવારે સંબંધીઓ, પરિવારના સભ્યો અને અનામી વ્યક્તિઓના નામે કંપનીઓ બનાવીને આ પૈસા ડાયવર્ટ કર્યા હતા. આ રેકેટમાં કથિત રીતે સેંકડો કરોડ રૃપિયાની લાંચ અને મની લોન્ડરિંગનો પણ સમાવેશ છે. ઇડીએ આ પુરાવા અમુક બિલ્ડરોની જુબાની, વોટ્સએપ ચેટ્સ, કેશ ટ્રેલ અને અન્ય ડિજિટલ રેકોર્ડમાંથી મેળવ્યા હતા.