રાગના ગાયન પર નહીં પણ બંદિશ પર શાસ્ત્રીય ગાયકનો અધિકાર ગણાય
અમારો અધિકાર બંદિશ પર છે રાગ ગાવાની રીત પર નહીંઃ ધુ્રપદ ઉસ્તાદ ફૈયાઝ વસીફુદ્દીન ડાગર
મણી રત્નમ નિર્દેશિત પોન્નિયન સેલ્વન ભાગ૨ ફિલ્મના વીરા રાજા વીરા ગીતમાં ડાગરવાણી પરંપરાના પ્રદાનનો ઋણસ્વીકાર કરવો જોઇએ તેમ સુપ્રીમ કોર્ટે ફિલ્મના સંગીતકાર એ આર રહેમાનને જણાવ્યું હતું. આ ગીતમાં શિવ સ્તુતિગાનમાં તેમની ડાગરવાણી ગાયનશૈલીનો ગેરકાયદે ઉપયોગ થયો છે તેમ જણાવી ધુ્રપદ ગાયક ઉસ્તાદ ફૈયાઝ વસિફુદ્દીન ડાગરે કેસ કર્યો હતો.
ફૈયાઝુદ્દીન ડાગરના પુત્ર અનેઝહીરૃદ્દીન ડાગરના ભત્રીજા ફૈયાઝ વસીફુદ્દીન ડાગરે હાઇકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે શિવસ્તુતિ સહિત તમામ ઓરિજિનલ કમ્પોઝિશન પર જુનિયર ડાગરબંધુઓનો કોપીરાઇટ છે. જેનો ગેરકાયદે ભંગ કરવામાં આવ્યો છે. દિલ્હી હાઇકોર્ટે સપ્ટેમ્બર ૨૦૨૫માં ચૂકાદો આપ્યો હતો કે શિવસ્તુતિના શાસ્ત્રીય ગાયનની માલિકી જુનિયર ડાગરબંધુઓની છે તેવો કોઇ પ્રથમદર્શી પુરાવો નથી. હાઇકોર્ટના ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
હાઇકોર્ટના ચૂકાદા સામે કરવામાં આવેલી અપીલની સુનાવણી જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બનેલી ખંડપીઠ સમક્ષ થઇ હતી. શુક્રવારે ડાગરના વકીલને બેન્ચે જણાવ્યું હતું કે પ્રથમ ગાયનનો અર્થ તેની માલિકી જ થાય એ જરૃરી નથી. તમારા કિસ્સામાં પ્રથમ ગાયન એ માલિકી હોવાની ધારણાં છે.મુદ્દો એ છે કે તમે સર્જક છો કે ડાગર પરંપરામાંથી તે મેળવી તેનું ગાયન કરવામાં આવ્યું છે. જેના જવાબમાં વકીલે વસીફુદ્દીન ડાગર વતી જણાવ્યું હતું કે આ એક કમ્પોઝિશન પર અમારો અધિકાર હોવાનો હું દાવો કરૃ છું. મારો અધિકાર તેની બંદિશ પર છે. મારા પિતા અને ભાઇએ તેનું સર્જન કર્યું છે. બેન્ચે વકીલને વળતો સવાલ કર્યો હતો કે તમે રાગની ઓરિજિનાલિટી પર દાવો કરો છો ત્યારે વકીલે જણાવ્યું હતું કે અધિકાર બંદિશ પર છે રાગની ગાવાની રીત પર નહીં. સુપ્રીમકોર્ટે પછી ડાગરવાણી પરંપરાના પ્રદાનનો ઋણસ્વીકાર કરવા પર ભાર મુક્યો હતો.
એ.આર. રહેમાનના વકીલ અભિષેક સિંઘવીને બેન્ચે જણાવ્યું હતું કે બંદિશની અસલિયત નિર્વિવાદ છે.જો આ ઘરાણાંઓએ શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં આટલું મોટું પ્રદાન ન કર્યું હોત તો આધુનિક ગાયકો તેને ન્યાય આપી શક્યા હોત તેવું તમે માનો છો. સિંઘવીએ જણાવ્યું હતું કે અગાઉ આ બંદિશોના ગાયન સામે કોઇ વાંધો લેવામાં આવ્યો નહોતો. પણ અમારા ગાયન સામે ડાગરે વાંધો લીધો છે. જેના પ્રતિભાવમાં બેન્ચે જણાવ્યું હતું કે તમારે કોઇ પ્રકારનો ઋણસ્વીકાર કરી લેવો જોઇએ. તેઓ શાસ્ત્રીય સંગીતના પરંપરાગત આરાધકો છે. તેઆ ેે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નથી.તેમને આદર અને માન્યતા જોઇએ છે. સિંઘવીએ આ બાબતે સમય માંગતા અદાલતે આ કેસની વધુ સુનાવણી ૨૦ ફેબુ્રઆરી પર મુલતવી રાખી હતી.


