સુમોના ચક્રવર્તી આંદોલનકારીઓ વચ્ચે ફસાઈ : કાર પર હુમલો
સાઉથ મુંબઈ આટલું અસુરક્ષિત કયારેય નથી લાગ્યું : સુમોના
ટોળાંએ કાર ઘેરી લીધીઃ કાચ પર હાથ માર્યા : ટીવી એકટ્રેસ સુમોનાએ ડરામણો અનુભવ વર્ણવ્યા પછી પોસ્ટ ડિલીટ કરી
મુંબઈ - મુંબઈમાં હાલ ચાલી રહેલાં મરાઠા અનામત આંદોલન દરમિયાન ફોર્ટ, સીએસટી સહિતના વિસ્તારો પર મરાઠા આંદોલનકારીઓએ જમાવેલા કબજા વચ્ચે ટીવી એકટ્રેસ સુમોના ચક્રવર્તી પણ આંદોલનકારીઓનાં ટોળાં વચ્ચે ઘેરાઈ ગઈ હતી. સુમોનાએ તેની કાર પર હુમલો થયાનો દાવો કર્યો હતો. જોકે, બાદમાં સુમોનાએ આ ડરામણો અનુભવ વર્ણવતી પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
ટીવી અભિનેત્રી સુમોના ચક્રવર્તી રવિવારે કોલાબાથી ફોર્ટ તરફ જઈ રહી હતી ત્યારે તેની કારને મરાઠા આંદોલનકારીએ ઘેરી લેતા તે ગભરાઈ ગઈ હતી.આંદોલનકારીઓના જૂથમાંથી એક વ્યક્તિએ કારના બોનેટ જોરથી ઠોક્યું હતુ. અન્યોએ 'જય મહારાષ્ટ્ર' સૂત્રોચ્ચાર કરીને કારની બારીએ પર જોરજોરથી હાથ પછાડયો હતો. થોડી મિનિટો તેમની કાર આગળ વધી પછી ફરી આવો જ અનુભવ થયો હતો. તે એકદમ જ ડરી ગઈ હતી. તેણે થોડીવાર પછી પોલીસના જવાનોને જોયા હતા. જેમણે પરિસ્થિતિ સંભાળવા પ્રયત્નો કર્યા ન હતા તેવું સુમોનાનું કહેવું હતું.
સુમોનાએ જણાવ્યું હતું કે હું લાંબા સમયથી મુંબઈમાં રહું છું પરંતુ મુંબઈ ક્યારેય આટલું અસુરક્ષિત લાગ્યું નથી.
દક્ષિણ મુંબઈના રસ્તાઓ પર કેળાની છાલ, પ્લાસ્ટિક બોટલો અને કચરો ઠેર ઠેર વિખરાયેલો પડેલો હતો. તેની સાથે એક પુરુષ મિત્ર સાથે હતો અને તેને થોડી હળવાશ રહી હતી. ટોળુ ગુસ્સે ન ભરાય તે માટે તેણે વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું ન હતું.
સુરક્ષિત સ્થળે પહોંચ્યા પછી સુમોનાએ સોશિયલ મીડિયા પર પોતાને થયેલા કડવા અનુભવનું વર્ણન કર્યું હતું. જોકે આ પોસ્ટ સોમવારે સુમોનાએ ડિલીટ કરી હતી પણ પોસ્ટના સ્ક્રીન શોટ્સ વાઈરલ થઈ રહ્યા છે. 'તમે કોઈપણ હોવ, ક્યાં પણ હોવા સેકન્ડોમાં કાયદો વ્યવસ્થા ખોરવાઈ શકે છે તેવો અનુભવ ખૂબ જ ડરામણો છે.'
સુમોનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે 'વહીવટીતંત્રે જવાબદારીથી હાથ ખંખેરયા, તે યોગ્ય ન કહેવાય. આપણા શહેરમાં સુરક્ષિત હોવાનો આપણો હક્ક છે.'