સાઈબાબાનું પાત્ર ભજવનારા સુધીર દળવી સિરિયસઃ ઈલાજ માટે પૈસાની ટહેલ

'શિર્ડી કે સાંઈબાબા' ફિલ્મ સાઈ બાબા તરીકે લોકપ્રિય થયા હતા
સુધીર દળવીની ફિલ્મ બાદ શિર્ડીમાં ભક્તોનું ઘોડાપૂૂર વધ્યું પરંતુ ખુદ દળવી બીમારીને કારણે આર્થિક ભીંસમાં
મુંબઈ - 'શિર્ડી કે સાઈબાબા' ફિલ્મમાં સાઈબાબાની યાદગાર ભૂમિકા ભજવી મશહૂર બનેલા વરિષ્ઠ અભિનેતા સુધીર દળવીને અત્યારે ગંભીર બિમારીને લીધે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ તેમના ઈલાજ માટે પૂરતા પૈસા નથી. આથી દળવીના પરિવારજનો આર્થિક સહાય માટે ટહેલ નાખી રહ્યા છે.
પીઢ અભિનેતા સુધીર દળવીને સેપ્સીસની તકલીફ ઊભી થતા ગઈ આઠમી ઓકટોબરે બાંદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૮૬ વર્ષના એકટરના શરીરમાં ભારે ચેપને લીધે જીવનું જોખમ ઊભું થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી સઘન સારવાર ચાલી રહી છે. આ સારવાર પાછળ અત્યાર સુધીમાં ૧૦ લાખ રૃપિયા ખર્ચાઈ ચૂક્યા છે. સારવાર પાછળ ૧૫ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
છેલ્લાં અનેક વર્ષોથી રંગભૂમિ, ફિલ્મો અને સિરિયલ ક્ષેત્રે સક્રિય રહેલા સુધીર દળવીએ ૧૯૭૭માં મનોજકુમારે બનાવેલી શિર્ડી કે સાઈબાબા ફિલ્મમાં સાઈબાબાનું પાત્ર ભજવીને અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી હતી. મનોજ કુમારની આ ફિલ્મ પછી શિર્ડીના સાઈબાબાની તીર્થની ખ્યાતી દેશ-વિદેશમાં ફેલાઈ હતી. દળવીએ રામાયણ સિરિયલમાં વશિષ્ઠ ઋષિનું પાત્ર ભજવ્યું હતું. જુનુન અને ચાંદની ફિલ્મમાં પણ તેમની ભૂમિકા વખણાઈ હતી. છેલ્લે ૨૦૦૩માં આવેલી ફિલ્મ એક્સકયુઝ મી અને ૨૦૦૬ની ટીવી સિરીયલ 'વો હુએ ના હમારે'માં સુધીર દળવીએ દેખા દીધી હતી.

