મુંબઇના હવામાનમાં અચાનક તોફાની પલટોઃ આવતા 4 દિવસ મહારાષ્ટ્રમાં યલો એલર્ટ
પૂર્વ-પશ્ચિમનાં પરાંમાં પ્રચંડ મેઘગર્જના સાથે વરસાદીમાહોલ : થાણે,પાલઘર,ક્લ્યાણ,ડોંબવલી, ભીવંડીમાં અનરાધાર વરસાદઃ સિંધુદુર્ગ,સોલાપુર,વાશીમ, બુલઢાણામાં પણ મુશલધાર વર્ષા
મુંબઇ : હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે મુંબઇ સહિત મહારાષ્ટ્રના હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો હતો.આમ તો ૨૦૨૨નું નૈઋત્યનું ચોમાસુ સત્તાવાર રીતે પૂરું થઇ ગયું છે.આમ છતાં અચાનક બદલાયેલાં કુદરતી પરિબળોની વ્યાપક અસરથી મુંબઇસહિત મહારાષ્ટ્રના મોટાભાગમાં ગાજવીજઅને તીવ્રપવન સાથે ભારે વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે.
આજે સવારથી મુંબઇનાં પશ્ચિમનાં પરાં બોરીવલી,કાંદિવલી,અંધેરી, સાંતાક્રૂઝથી લઇને દાદર, લોઅરપરેલ, ચર્ચગેટ સુધી અને પૂર્વનાં પરાં ઘાટકોપર,મુલુંડ,પવઇ વગેરેમાં પ્રચંડ મેઘગર્જના સાથે ભારે વર્ષા શરૃ થઇ હતી. આકાશમાં કાળાંડિબાંગ વરસાદી વાદળોનો વિશાળ જમઘટ જામ્યો હતો.
આજે સવારથી શરૃ થયેલા વરસાદને કારણે અંધેરી સબ વેમાં વરસાદી પાણી ભરાઇ જતાં સબ-વે બંધ કરી દેવો પડયો હતો.મુશળધાર વરસાદને કારણે મુંબઇના ઘણા વિસ્તારના રસ્તા પર પણ વરસાદી પાણી જમા થઇ ગયાં હતાં.
બીજીબાજુ આજે મુંબઇ નજીકનાં નવી મુંબઇ,થાણે,પાલઘર,કલ્યાણ, ડોંબીવલી,ભીવંડીમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે.
ઉપરાંત મહારાષ્ટ્રનાં સિંધુદુર્ગ,પુણે,બુલઢાણા,વાશીમ,બીડ,સોલાપુર,સાતારાવગેરે જિલ્લામાં પણ ગાજવીજ અને તીવ્ર પવન સાથે અનરાધાર વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.સિંધુદુર્ગ જિલ્લાનાં કણકવલી,દેવગઢ,સાવંતવાડી વગેરેમાં તો ગઇકાલ ગુરુવારથી જબરો વરસાદી માહોલ સર્જાયો છે.
હવામાન ખાતાએ આવતા ચાર દિવસ(૮થી૧૧-ઓક્ટોબર) દરમિયાન કોંકણ(મુંબઇ,થાણે,પાલઘર,રત્નાગિરિ,સિંધુદુર્ગ),મધ્ય મહારાષ્ટ્ર(નાશિક,ધુળે, જળગાંવ,પુણે,અહમદનગર,સાંગલી,સાતારા,કોલ્હાપુર),મરાઠવાડા (જાલના, ઔરંગાબાદ,હિંગોળી,બીડ,નાંદેડલાતુર), વિદર્ભ (અકોલા, અમરાવતી,ભંડારા,ચંદ્રપુર, ગોંદિયા, નાગપુર,વર્ધા) માં મેઘગર્જના, તોફાની પવન સાથે હળવીથી ભારે વર્ષા (યલો એલર્ટ) થવાનો વરતારો આપ્યો છે.
મુંબઇમાં આવતા ૨૪ કલાક દરમિયાનગાજવીજ સાથે વરસાદી માહોલ (યલો એલર્ટ)સર્જાય જ્યારે આવતા ત્રણ દિવસ દરમિયાન હળવી વર્ષા થાય તેવો સંકેત હવામાન ખાતાએ આપ્યો છે.
બદલાયેલાં કુદરતી પરિબળોની વ્યાપક અસરથી૧૧,ઓક્ટોબર બાદ પણ વરસાદી માહોલરહે તેવી શક્યતા છે.
હવામાન ખાતાના (મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર ડો.જયંત સરકારે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ આંધ્ર પ્રદેશથી તેલંગણા,મહારાષ્ટ્ર થઇને ગુજરાત સુધી ના ગગનમાં ૦.૯ કિલોમીટરના અંતરે હવાનાહળવા દબાણનો પટ્ટો ફેલાયો છે.ઉપરાંત, આંધ્ર પ્રદેશ અને નજીકના દરિયાકિનારા પરના આકાશમાં ૧.૫થી૩.૧ કિલોમીટરના અંતરે તેલંગણા અને વિદર્ભ વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર છે.સાથોસાથ બંગાળના ઉપસાગરના મધ્ય હિસ્સા ઉપરના આકાશમાં ૩.૧થી૫.૮ કિલોમીટરના અંતરે પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની તીવ્ર અસરછે.
ઉપરાંત હાલબંગાળના અખાત પરથી મુંબઇ અને મહારાષ્ટ્ર પર ભરપૂર ભેજવાળા પવનો વાતાવરણના ઉપરના પટ્ટામાં ફૂંકાઇ રહ્યા છે.સાથોસાથ ઉત્તર દિશામાંથી વાતાવરણના નીચેના પટ્ટામાં સૂકા પવનો પણ મુંબઇ-મહારાષ્ટ્ર પર ફૂંકાઇ રહ્યા છે. આ બંને પ્રકારના પવનોની ટક્કરને કારણે આજે મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં પ્રચંડ મેઘગર્જના સાથે વરસાદી માહોલ સર્જાયો છે.
આજે મહારાષ્ટ્રનાં બીડ,માજલગઢ,સોલાપુર,વાશીમ,બુલઢાણા,ચાલીસગાંવ વગેરેમાં પણ મધ્યમથી ભારે વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.તોફાની વરસાદને કારણે રાજ્યમાં સોયાબીનના પાકને નુકસાન થયું હોવાના સમાચાર પણ મળે છે.
આજેકોલાબામાં મહત્તમ તાપમાન૨૮.૨ અને લઘુત્તમ તાપમાન૨૪.૮ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન૨૯.૧ અને લઘુત્તમ તાપમાન૨૬.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ-૯૫-૯૦ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૭-૯૩ ટકા નોંધાયું હતું.
આજે કોલાબામાં રાતના૮-૩૦ સુધીમાં ૨૩.૬ મિલિમીટર જ્યારે સાંતાક્રૂઝમાં ૫૮.૦ મિલિમીટર વર્ષા નોંધાઇ હતી.
આજે સવારે ૧૧થી બપોરના ૨ દરમિયાન પૂર્વનાં પરાંમાં વિક્રોલીમાં સરેરાશ ૩૫ મિલિમીટર,પૂર્વનાં અને પૂર્વનાં પરાંમાં સરેરાશ ૪૦-૭૦ મિલિમીટર,મુંબઇ શહેર-૭૦-૧૦૦ મિલિમીટર,થાણે૭૦-૧૦૦ મિલિમીટર, ડોંબીવલી-૧૨૧.૫ મિલિમીટર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે.