Get The App

ચેમ્બુરમાં મહેંદી લગાડીને આવેલી વિદ્યાર્થિનીઓને વર્ગમાંથી રવાના કરાઈ

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
ચેમ્બુરમાં મહેંદી લગાડીને આવેલી વિદ્યાર્થિનીઓને વર્ગમાંથી  રવાના  કરાઈ 1 - image

શિક્ષકનાં કૃત્ય સામે વાલીઓમાં રોષ

શિક્ષણ વિભાગની ટીમ તપાસ માટે દોડી, શાળાને ખુલાસો કરવા નોટિસ

મુંબઈ -  ચેમ્બૂરની એક શાળામાં હાથમાં મહેંદી લગાડીને ગયેલી ૧૫ થી ૨૦ વિદ્યાર્થિનીઓને વર્ગમાંથી બહાર કાઢવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જેને કારણે વાલીઓમાં રોષની લાગણી વ્યાપી છે.

મુંબઈના  ચેમ્બૂરની એક નામાંકિત શાળામાં દિવાળીની રજા બાદ કેટલીક વિદ્યાર્થિનીઓ હાથમાં મહેંદી સાથે વર્ગમાં પ્રવેશતાં તેમને ક્લાસમાં બેસવા દેવાઈ નહોતી. શિક્ષકે  તેમને મહેંદી કાઢ્યા વિના વર્ગમાં પ્રવેશવું નહીં એવું જણાવ્યું હોવાનો આરોપ વાલીઓએ કર્યો છે. શિક્ષકોએ વિદ્યાર્થિનીઓને ક્લાસમાંથી કાઢતાં તેમને માનસિક ત્રાસ થયાનું પણ વાલીઓનું કહેવું છે.

આ  પ્રકરણે ગંભીર નોંધ લઈ ઉપશિક્ષણાધિકારી અને શિક્ષણ નિરીક્ષકે સોમવારે જ શાળાની મુલાકાત લઈ તમામ તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં કેટલીક વિદ્યાર્થિનીઓને મહેંદીને લીધે પ્રવેશ નકારાયો હોવાનું ધ્યાનમાં આવતાં શિક્ષણ વિભાગે સ્કૂલને નોટિસ મોકલી ખુલાસો આપવા જણાવ્યું છે.

પરંતુ શિક્ષકોએ આ આરોપોને નકાર્યા છે અને તેમનું કહેવું છે કે, આવું કંઈ જ બન્યું નથી. વિદ્યાર્થિનીઓને માત્ર નિયમોનું કડક પાલન કરવા જણાવ્યું છે. શિક્ષણ વિભાગની હજી અમને કોઈ નોટિસ મળી નથી. પરંતુ વાલીઓએ કરેલાં આક્ષેપોથી પરિસ્થિતિ જુદી હોવાનું જણાય છે.