મિત્રોએ હિંમત દાખવીને પથ્થરમારો કરીને ભાગાડી દીધો
શાળાનો રસ્તો જંગલમાંથી પસાર થતો હોવાથી લોકોમાં ગભરાટ
મુંબઈ - વિક્રમગઢ તાલુકામાં શાળાએથી ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થી પર દીપડાએ હુમલો કર્યો હતો. જખમી વિદ્યાર્થીપર વિક્રમગઢની ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તેની પીઠ પર બેગ હોવાથી તેનો જીવ બચી ગયો છે. જો કે, આનાથી વિક્રમગઢ વિસ્તારના નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે અને દીપડાને કાબૂમાં લેવા માટે વન વિભાગને માગણી કરવામાં આવી છે.
વિક્રમગઢ તાલુકાના ઉટાવલીમાં આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ૧૧ વર્ષના વિદ્યાર્થીપર શુક્રવારે સાંજે દીપડાએ હુમલો કર્યોે હતો. આદર્શ વિદ્યાલયમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતો મયંક વિષ્ણુ કુવારા અને તેનો મિત્ર સાંજે શાળાએથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગીચ ઝાડીમાં છુપાયેલા દીપડાએ અચાનક મયંક પર હુમલો કર્યોે હતો. આ સમયે, મયંક અને તેના મિત્રએ ખૂબ હિંમતથી દીપડાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. દીપડાના હુમલામાં મયંકનો જીવથી બચી ગયો કારણ કે તેની બેગ આડી આવી ગઈ હતી. જોકે, મયંકના હાથ પર દીપડાના પંજાથી ઘાયલ થયા હતા. અચાનક થયેલા હુમલા બાદ મયંકે બૂમો પાડી હતી. તેની સાથે રહેલા છોકરાએ પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ, નજીકના નાગરિકો ઘટનાસ્થળે દોડી આવતાં જ દીપડો જંગલમાં ભાગી ગયો હતો.
દીપડાના હુમલામાં ઘાયલ મયંક વિક્રમગઢની ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર છે, એમ તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ માહિતી આપી હતી કે દીપડો છેલ્લા કેટલાક દિવસોથી વિક્રમગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સક્રિય છે. ગ્રામજનોએ સોશિયલ મીડિયા પર દીપડાની હિલચાલના વીડિયો પોસ્ટ કરીને ચેતવણી આપી હતી.
જોકે, શાળાના બાળકો જંગલમાંથી પસાર થઈ રહ્યા હોવાથી, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. નાગરિકોએ માગણી કરી છે કે વન વિભાગ આ અંગે તાત્કાલિક પગલાં લે અને દીપડાને કાબૂમાં લે.


