Mumbai

વિલે પાર્લેમાં કોલેજના 3જા માળેથી ઝંપલાવતાં વિદ્યાર્થિનીનું મોતઃ પરિવારને હત્યાની શંકા

By GS TEAM
20 Jun 20253 mins read
વિલે પાર્લેમાં કોલેજના 3જા માળેથી ઝંપલાવતાં વિદ્યાર્થિનીનું મોતઃ  પરિવારને હત્યાની શંકા

નાલાસોપારાની ૨૧ વર્ષની સંધ્યાએ કોલેજ પહોંચી સીધું પડતું મૂક્યું

મારી દીકરીને કોઈએ ધક્કો મારી દીધો છે તેવો  પિતાનો આરોપઃ સવારે કોલેજ જવા નીકળી ત્યારે એકદમ ખુશખુશાલ હતી

મુંબઈ -  વિલે પાર્લેમાં આવેલી પ્રખ્યાત સાઠે કોલેજના ત્રીજા માળેથી કૂદીને ૨૧ વર્ષીય વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી  લેતાં ચકચાર મચી ગયી હતી.  જો કે, યુવતીના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીએ આત્મહત્યા કરી નથી પરંતુ કોઈએ તેને ઉપરથી ધક્કો માર્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. વિલે પાર્લે પોલીસે આ કેસમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.

        નાલાસોપારા-ઈસ્ટમાં આચોલે રોડમાં આવેલી રાજમાતા ઇમારતમાં માતા-પિતા અને ૧૬ નાની બહેન સાથે રહેતી ૨૧ વર્ષની સંધ્યા પાઠક વિલે પાર્લેમાં આવેલી સાઠે કોલેજની વિજ્ઞાાન શાખા (બીએસસી સ્ટેટિસ્ટિક્સ) ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગુરુવારે સવારે તે રાબેતા મુજબ કોલેજમાં આવી હતી. સવારે ૭.૧૫ વાગ્યાની આસપાસ તેે ત્રીજા માળેથી નીચે કૂદી પડી હતી. તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. કોલેજના સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. સંધ્યાનો વર્ગ ગ્રાઉન્ડ ફ્લોર પર છે. કોલેજના સ્ટાફે સંધ્યા  ક્લાસમાં આવ્યા વિના કેવી રીતે ક્યારે ઉપર ગઈ તે વિશે તેમને કોઈ માહિતી નહિ હોવાનું કહ્યું હતું. સ્ટાફે તેના પડવાનો અવાજ સાંભળ્યો હતો. બાદમાં તેને  બાબાસાહેબ ગાવડે ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી પરંતુ તે મૃત્યુ પામી હોવાનું જાહેર કરાયું હતું. 

      આ ઘટના વિશે સાઠે કોલેજના પ્રિન્સિપાલ માધવ રાજવાડેએ જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ખરેખર શું થયું તે હજુ સ્પષ્ટ નથી. અમે આ કેસમાં પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ.

પિતાનો આરોપ

સંધ્યા નાલાસોપારા પૂર્વના આચોલે રોડ પર રહેતી હતી. તેને એક નાની બહેન છે અને તેના પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તે છેલ્લા ૩ વર્ષથી સાઠે કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેના મૃત્યુથી તેનો પરિવાર ભારે આઘાતમાં છે. જો કે, સંધ્યાના પરિવારે આરોપ લગાવ્યો છે કે આ આત્મહત્યા નહીં પણ હત્યાનો પ્રયાસ હતો. સંધ્યા રાબેતા મુજબ કોલેજ ગઈ હતી. તે ખૂબ જ ખુશ હતી. તેણે અમારી સાથે સવારની ચા પણ પીધી હતી. તે જરાય માનસિક તણાવમાં ન હતી. તેના પિતા સુભાષ પાઠકે આરોપ લગાવ્યો છે કે, કોઈએ મારી પુત્રીને ઉપરથી ધક્કો માર્યો હશે. આ ઘટના પાછળ કોઈ કાવતરું છે. 

નાની બહેન ખૂબ આઘાતમાં..

         સંધ્યાના માસા અશોક શર્માએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે. સંધ્યાને ડોક્ટર બનવાની ખુબ ઈચ્છા હતી. તેના પપ્પા ખૂબ મહેનત કરીને બન્ને દીકરીઓને ભણાવી રહ્યા હતા. સંધ્યાની નાની બહેન નવમા ધોરણમાં ભણે છે. સંધ્યા ખુબ હસમુખ સ્વભાવની હતી અને તે આવું પગલું લે એવું અમે સપને પણ વિચારી શકતા નથી.'