ફોન હેક કરી અશ્લીલ ફોટા મોકલાતાં બદનામીની બીકે વિદ્યાર્થીની આત્મહત્યા
વ્હોટસ એપ લિંક પર ક્લિક કરતાં હેક થઈ ગયો
વિદ્યાર્થીના મોબાઈલમાંથી સ્વજનો તથા મિત્રોને અશ્લીલ તસવીરો મોકલાઈઃ ચારિત્ર્ય પર આળથી લાગી આવ્યું
પોલીસના જણાવ્યા મુજબ, સોમવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ ૨૦ વર્ષીય કિશન સનેરને તેના પર ફોન પર વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં એક લિંક મોકલવામાં આવી હતી. જેથી કિશને આ લિંક પર ક્લિક કરતાં તેને એક વન ટાઈમ પાસવર્ડ પણ શેર કરવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ પ્રક્રિયા બાદ થોડી જ વારમાં તેના નંબર પરથી તેના વોટ્સએપ ગુ્રપ અને તેના ફોન ડાયરીમાં રહેલા તમામ ફોન નંબરો પર અશ્લીલ ફોટા મોકલવામાં આવ્યા હતા.
તેથી થોડી જ વારમાં કિશનને મિત્રો અને તેના સંબંધીઓ તરફથી ફોન આવવા લાગ્યા હતા અને પૂછવા લાગ્યા હતા કે તેણે આવા અશ્લીલ ફોટા કેમ મોકલ્યા છે. આ તમામ કિસ્સા બાદ કિશનને તેનો ફોન હેક થઈ ગયો હોવાની જાણ થઈ ગઈ હતી. આ બાદ કિશનને તેના મિત્રોની મુલાકાત લીધી હતી. જેમાં મિત્રોએ તેને ગભરાવવાની જરુર ન હોવાની સલાહ આપી હતી. દરમિયાન તેણે તેના ફોનમાંથી વોટ્સએપ પણ ડીલીટ મારી દીધું હતું. પરંતુ તેમ છતાં આરોપીએ કિશનના ફોનમાં રહેલ અન્ય નંબરોને પણ અશ્લીલ ફોટાઓ મોકલ્યા હતા. તેથી પીડીતે તેનું સીમ કાર્ડ પણ તોડી નાખ્યુ ંહતું અને મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો.
આ સંપૂર્ણ ઘટના બાદ કિશનને તેના પિતાને આ અંગે જાણ કરી હતી કે તેનો ફોન હેક થઈ ગયો છે એમ જણાવ્યુ ંહતું. જો કે, તેના પિતા સમસ્યાનું સંપૂર્ણ કારણ સમજી શક્યા ન હતા. તેથી કિશનને પોતાના ચારિત્ર પર લાંશન લાગતા તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો અને બપોરના સમયે ઘરમાં કોઈ ન હોવાથી ઘરમાં સાડી ઉપયોગ કરીને ગળેફાંસો ખાધો હતો.
પરિવારનો એક માત્ર પુત્રના મૃત્યુથી ઘરમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં શંકાસ્પદ મેસેજ કોણે મોકલ્યો, તેણે આવું કેમ કર્યું તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ હતી.