Mumbai

પરીક્ષામાં ચોરીનું આળ મૂકી આચાર્યાએ તમાચો ફટકારતાં વિદ્યાર્થિનીનો આપઘાત

By GS TEAM
6 Oct 20252 mins read
પરીક્ષામાં ચોરીનું આળ મૂકી આચાર્યાએ તમાચો ફટકારતાં વિદ્યાર્થિનીનો આપઘાત

તમે ઝુંપડપટ્ટીવાસીઓ ક્યારેય નહિ  સુધરો એમ કહી ભર ક્લાસ વચ્ચે તમાચો માર્યો

અપમાનથી લાગી આવતાં ઐરોલીની 16 વર્ષની તરુણીએ ઘરે જઈ ગળેફાંસો ખાઈ લીધોઃ આચાર્યાં સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

મુંબઈ: નવી મુંબઈની ઐરોલીની  સુશીલાબાઈ દેશમુખ વિદ્યાલયમાં દસમાં ધોરણની છ માસિક પરીક્ષાઓ ચાલુ હતી. ત્યારે ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીની  બેન્ચ નીચેથી કાપલી મળી આવ્યા બાદ તેના પર પરીક્ષામાં ચોરીનું આળ મૂકી પ્રિન્સિપાલે અન્ય પરીક્ષાર્થીઓની સામે તરુણીને  અપમાનજનક શબ્દો બોલી તમાચો મારી દીધો હતો. આથી અપમાનિત  થયેલી  વિદ્યાર્થિનીએ તેના ઘરમાં ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી હતી.  રબાળે પોલીસે આ મામલે પ્રિન્સિપાલ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટનામાં ૧૬ વર્ષીય અનુષ્કા કેવલેનું મોત નીપજ્યું હતું. દસમાં ધોરણની પરીક્ષામાં મરાઠી વિષયના પેપર દરમિયાન પીડીતાની બેન્ચ  નીચેથી નકલ કરતી એક કાપલી મળી આવી હતી. 

પેપરમાં કોપી કરતા પકડાયા બાદ પ્રિન્સિપાલ દેશમુખ મેડમે અન્ય પરીક્ષાર્થીઓ સામે તેનું અપમાન કરતા તમાચો  ફટકારી  દીધો હતો અને તમે ઝુંપડપટ્ટીવાસીઓ ક્યારેય સુધરશો નહીં, તમે આ શાળામાં ભણવા લાયક નથી એમ કહીને ગેરવર્તન કર્યું હતું. 

આ ઘટના બાદ સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ  ઘરે આવી હતી. આ સમયે તરુણી રડતી હોવાનો અહેસાસ થતાં માતાએ શું થયું તે અંગે પૂછ્યું હતું. જો કે વિદ્યાર્થિનીએ મોબાઈલ જોતા હોવાનો ડોળ કરીને તે રડી નથી રહી તેમ જણાવ્યું હતું.

આ બાદ તે તેના રુમમાં ગઈ હતી અને લાંબા સમય સુધી પોતાના રુમમાંથી બહાર આવી ન હતી. આથી તેની કાકી રાત્રે પીડીતાને જમવા માટે બોલાવવા ગઈ હતી. જો કે, રુમની અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. આ બાદ દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા અંદરથી દરવાજો બંધ હોવાનું જાણવા મળ્યું હતું. 

તેથી પરિવારના સભ્યોએ અંદરથી કોઈ જવાબ ન મળતાં દરવાજો તોડી નાખ્યો હતો અને રુમની અંદર પ્રવેશ કર્યો હતો. આ સમયે પરિવારને કિશોરી પંખા સાથે લટકતી સ્થિતિમાં મળી આવી હતી. આ બાદ માતા પિતાએ શાળામાં શુ બન્યુ તે અંગે તેની એક બહેનપણીને પૂછ્યું હતું. પીડીતાએ પોતાનું અપનામ થતાં આ આત્યંતિક પગલું ભર્યું હતું.

આ બાદ પીડીતાની માતાએ રબાળે પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે આ મામલે પ્રિન્સિપાલ સામ આત્મહત્યા અને ઉશ્કેરણીનો ગુનો નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.