Get The App

મહારાષ્ટ્રમાં સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન માટે કડક નિયમો લાગુ કરાશે

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રમાં સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન માટે કડક નિયમો લાગુ કરાશે 1 - image

વિદ્યાર્થી સુરક્ષા માટે સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

સ્કૂલ બસ ભાડા પર અને આરટીએનું નિયંત્રણ, સ્કૂલોમાં ટ્રાન્સપોર્ટ કમિટી અને બસમાં મહિલા સ્ટાફની હાજરી ફરજિયાત 

મુંબઇ -  મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષા, પારદશતા અને જવાબદારી વધારવા માટે શાળા પરિવહન નિયમોને વધુ કડક બનાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે જણાવ્યું કે, મહારાષ્ટ્ર મોટર વાહન (શાળા બસ નિયમન) (પ્રથમ સુધારો) નિયમો, ૨૦૨૬ માટે ડ્રાફ્ટ સૂચના બહાર પાડવામાં આવી છે. સરકાર દ્વારા આ અંગે ૧૫ દિવસની અંદર જાહેર સૂચનો અને આક્ષેપો માંગવામાં આવ્યા છે.

પ્રસ્તાવિત નિયમો મુજબ, સ્કૂલ બસના ભાડા હવે પ્રાદેશિક પરિવહન પ્રાધિકરણ (આરટીએ) દ્વારા નક્કી કરવામાં આવશે. ઓપરેટરોને ફક્ત માસિક ફી જ વસૂલવાની મંજૂરી રહેશે અને એડવાન્સ વસૂલવાની મનાઈ રહેશે. ઉપરાંત, દરેક શાળાએ પરિવહન સંબંધિત ફરિયાદોજેમ કે સુરક્ષા, ભાડું અને સેવાઆદિને ઉકેલવા માટે ટ્રાન્સપોર્ટ કમિટી બનાવવી ફરજિયાત રહેશે અને તેનો ત્રિમાસિક અહેવાલ આપવો પડશે.

ડ્રાફ્ટ નિયમોમાં તમામ સ્કૂલ વ્હિકલ્સમાં જરૃરી સુરક્ષા સુવિધાઓ ફરજિયાત કરવામાં આવી છે. તેમાં જીપીએસ આધારિત વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઈસ (વીએલટીડી), પેનિક બટન, સીસીટીવી કેમેરા, આગની ઓળખ અને એલાર્મ સિસ્ટમ તેમજ સીટ બેલ્ટનો સમાવેશ થાય છે. સાથે જ ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા લાઈવ ટ્રેકિંગ, હાજરી નોંધ, ઓટોમેટેડ એલર્ટ અને માતા-પિતાને રિયલ-ટાઈમ માહિતી પૂરી પાડવાની સુવિધા રાજ્યસ્તરીય પ્લેટફોર્મ સાથે જોડાશે. નાના બાળકો માટે ખાસ કરીને પ્રી-પ્રાઈમરી અને પ્રાઈમરી વિદ્યાર્થીઓ માટે, મહિલા સ્ટાફની હાજરી ફરજિયાત રહેશે.

વિશેષ જરૃરિયાત ધરાવતા બાળકો માટે પણ ખાસ વ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તાલીમબદ્ધ સ્ટાફ અને સુલભ પરિવહન સુવિધાઓ રહેશે. ડ્રાઈવર અને સ્ટાફ માટે કડક પૃષ્ઠભૂમિની ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે. તમામ શાળા પરિવહન વાહનોએ ત્રણ મહિનાની અંદર આ નિયમોનું પાલન કરવું પડશે, નહિતર તેમના લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ્દ કરવામાં આવી શકે છે.