2024 માં મુંબઇમાં રખડતા કૂતરાઓ 1.28 લાખથી વધુ લોકોને કરડયા

વિધાનમંડળમાં રખડું શ્વાનોના ત્રાસનો મુદ્દો ગાજ્યો
ઉપરાજધાની નાગપુરમાં 9400 થી વધુ લોકોને કૂતરા કરડયા
મુંબઇ - દેશની આર્થિક રાજધાની મુંબઇમાં વર્ષ ૨૦૨૪માં ૧.૨૮ લાખથી વધુ લોકોને રખડતા કૂતરાઓ કરડયા હતા. જેના કારણે નાગરિકોની સલામતી અંગે ચિંતા વધી ગઇ હતી અને અધિકારીઓને રખડતા કૂતરાઓની વસ્તીને નિયંત્રિત કરવા માટે નસબંધી અને રસીકરણ જેવા પગલાં લેવા પ્રેર્યા હતા. શુક્રવારે રાજ્ય વિધાન પરિષદમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એમએલસી સુનિલ શિંદે, વસંત ખંડેલવાલ, સંદીપ જોશી અને અન્ય લોકોના પ્રશ્નોના કેખિત જવાબમાં આ માહિતી શેર કરી હતી.
આ ધારાસભ્યોએ બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની હદ્દમાં રખડતા ક ૂતરાઓની વધતી સંખ્યા અને નાગપુરમાં કૂતરાઓના સમાન ભય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. શિંદેએ જણાવ્યું હતું કે ૨૦૨૪માં મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુરમાં ૯૪૦૦થી વધુ લોકોને કૂતરા કરડયા હતા. તેમણે કહ્યું હતું કે એનિમલ વેલફેર બોર્ડના નિયમો અનુસાર બીએમસી દ્વારા હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે રખડતા કૂતરાઓની સંક્યા ૨૦૧૪માં ૯૫,૧૭૨ થી ઘટીને ૨૦૨૪માં ૯૦૭૫૭ થઇ ગઇ છે.
શિંદેએ ઉમેર્યું હતું કે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમસી) હદ્દમાં ૯૪૨૭ લોકોને રખડતા કૂતરાઓ કરડયા હતા જ્યારે ૨૦૨૪ના આંકડા મુજબ મુંબઇમાં ૧,૨૮,૨૫૨ લોકોને કૂતરા કરડયા હતા. શિંદેએ આગળ જણાવ્યું હતું રખડતાં કૂતરાઓની વસ્તીને નિયંત્રિત કરવા માટે નસબંધી અને રસીકરણ અને હડકવા નાબૂદી જેવા અનેક પગલાં અને કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. તેવી જ રીતે નાગરિકોની સમસ્યા સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે એક સ્વતંત્ર પોર્ટલ શરૃ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આક્રમક અને હડકાયા કૂતરાઓ માટે આશ્રયસ્થાનો સ્થાપવા માટે જગ્યા શોધવામાં આવી રહી છે.
છેલ્લા છ વર્ષમાં મહારાષ્ટ્રમાં નોંધાયેલા કૂતરા કરડવાના ૩૦ લાખથી વધુ કેસોમાં આ આંકડાઓનો સમાવેશ થાય છે, જે એક ચિંતાજનક સંખ્યા છે. રાજ્યભરમાં દરરોજ સરેરાશ ૧૩૬૯ કૂતરા કરડવાના બનાવો બને છે. શિંદેએ જણાવ્યું હતું કે રાજ્યના ગ્રામીણ અને શહેરી ભાગોમાં કૂતરા કરડવાના ક ેસોમાં નોંધપાત્ર વધારો થયો છે આ ઉપરાંત ૨૦૨૧ થી ૨૦૨૩ દરમિયાન હડકવાને કારણે ૩૦ જેટલા મૃત્યુ નોંધાયા છે.

