કુદરતની અજીબ ઘટના : 1.11 લાખ કરોળિયા ગુફામાં હળીમળીને રહે છે

- કરોળિયાનું વિશ્વનું સૌથી મહાકાય જાળું મળ્યું
- ગુફામાં સલ્ફર, એસિડ, ટોક્સિકની વરાળનું અતિ ઝેરી વાતાવરણ હોવા છતાં વિશિષ્ટ પ્રજાતિના કરોળિયા વિશાળ સંખ્યામાં જીવે છે
મુંબઈ: કુદરતની અજીબોગરીબ ઘટનાઓ માનવજાત માટે પ્રેરણાદાયક બની શકે છે. આવી જ ઘટના બની છે આલ્બેનિયા અને ગ્રીસ વચ્ચે આવેલી એક ગુફામાં. ફોડ પાડીને કહીએ તો ૧૦૬ ચોરસ મીટરની આ વિશાળ ગુફામાં એક સાથે ૧૧૧,૦૦૦ કરોળિયા રહે છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં રહેતા કરોળિયાનું જાળું વિશ્વનું સૌથી મોટું છે. અત્યારસુધીમાં કરોળિયાનું આટલું મહાકાય જાળું દુનિયાના કોઇ જ દેશમાં જોવા નથી મળ્યું. ન માની શકાય તેવી બાબત તો એ છે કે આટલા બધા કરોળિયા એક મહાવિશાળ કુટુંબની જેમ હળીમળીને અને સંપથી રહે છે.
આ વિશિષ્ટ પ્રકારની શોધ સેપિએન્શિયા હંગેરિયન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કરી છે. વિજ્ઞાનીઓના કહેવા મુજબ આ વિશાળ ગુફામાં તેજેનેરિયા ડોમેસ્ટિકા અને પ્રાઇનેરીગોન વેગાન્સ એમ બે વિવિધ પ્રજાતિના કરોળિયા વસે છે. આમ તો એવું કહેવાય છે કે કરોળિયા જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય છે. જોકે આ ગુફામાં તો એક સાથે ૧૧૧,૦૦૦ કરોળિયા એક સાથે શાંતિથી અને સહકારથી રહે છે. આ વિશિષ્ટ પ્રજાતિનાં જંતુઓ ક્યારેય પણ એકબીજા સાથે નથી લડતા કે નથી કંકસ કરતાં. શિકાર પણ તેઓ બધા ભેળા મળીને કરે છે. આટલા બધા કરોળિયા પોતાના વિશાળ ઘરરૂપી જાળાની સારસંભાળ પણ બહુ સારી રીતે કરે છે. જાણે કે કોઇ માનવી પોતાના ઘરની દેખરેખ બરાબર રાખતો હોય તેવું દ્રશ્ય સર્જાય છે. આટલા બધા કરોળિયા જાણે કે સહઅસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ છે.
વાત જાણે કે એમ છે કે વિજ્ઞાનીઓ ૨૦૨૨માં વ્રોમોનેર કેન્યન નામના વિસ્તારમાં ગયા હતા.આ વિસ્તારમાં અસંખ્ય ગુફાઓ છે. વિજ્ઞાનીઓએ આવી જ એક ગુફામાં અજીબોગરીબ દ્રશ્ય જોયું. તે દ્રશ્ય હતું એક સાથે રહેતા ૧૧૧,૦૦૦ કરોળિયાનું. આવું દ્રશ્ય જોઇને વિજ્ઞાનીઓ સ્તબ્ધ બની ગયા હતા.
જોકે વધુ સચોટ સંશોધન માટે સેપિએન્શિયા હંગેરિયન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ ૨૦૨૪માં અમુક નિષ્ણાત અને બહોળો અનુભવ ધરાવતા જીવ વિજ્ઞાનીઓને સાથે લઇને એ જ સ્થળે ફરીથી ગયા. ૨૦૨૪ની મુલાકાત દરમિયાન બધા વિજ્ઞાનીઓને ખ્યાલ આવ્યો કે આ ગુફામાં તો કરોળિયા છે અને તેઓ અતિ વિશાળ જાળામાં ભેળા મળીને રહે છે.
ન માની શકાય તેવી બાબત તો એ છે કે આ ગુફામાં સલ્ફર, એસિડ, ટોક્સિકની વરાળનું વાતાવરણ છે. એમ કહો કે આવા અતિ જલદ અને ઝેરી વાતાવરણમાં કોઇ જીવ ભલા કઇ રીતે રહી કે જીવી શકે ? આમ છતાં આ ગુફામાં વિશિષ્ટ પ્રજાતિના કરોળિયા આટલી વિશાળ સંખ્યામાં જીવી શકે છે. એક સાથે સંપથી રહી પણ શકે છે. વિજ્ઞાનીઓ માટે આ ઘટના જબરા કોયડા સમાન છે. વિશિષ્ટ સંશોધનનો વિષય છે.

